વિશ્વ પર્યાવરણ દિવસે ગ્રીન ગ્લોબલ બ્રિગેડનો સંદેશ: “એક વૃક્ષ વાવો, પણ તેને સાચવો” — જીતુભાઈ પટેલ

વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે સમગ્ર વિશ્વમાં પર્યાવરણ જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં પર્યાવરણ સંરક્ષણ માટે વર્ષોથી કાર્યરત “ગ્રીન ગ્લોબલ બ્રિગેડ” દ્વારા પણ વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સ્થાપક અને ગુજરાતના ગ્રીન એમ્બેસેડર તરીકે જાણીતા જીતુભાઈ પટેલ (તિરુપતિ)ના માર્ગદર્શન હેઠળ ગ્રીન કમાન્ડોની ટીમ દ્વારા 111 ગુલમોહરના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જીતુભાઈ પટેલે પર્યાવરણ સંરક્ષણ અંગે મહત્વપૂર્ણ સંદેશ આપતા જણાવ્યું હતું કે માત્ર વૃક્ષારોપણ કરવું પૂરતું નથી, પરંતુ તેનું જતન અને સંવર્ધન પણ એટલું જ જરૂરી છે. તેમણે લોકોને અને સરકારી તંત્રને અપીલ કરતાં કહ્યું હતું કે જ્યાં પાણીની પૂરતી સગવડ હોય ત્યાં જ વૃક્ષારોપણ કરવું જોઈએ, જેથી વાવેલા વૃક્ષો સુકાઈ ન જાય અને લાંબા ગાળે પર્યાવરણને તેનો લાભ મળી શકે.
તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વિકાસના વિવિધ પ્રોજેક્ટ્સની સાથે પર્યાવરણ સંરક્ષણ માટે પણ સતત પ્રયત્નશીલ છે. આ પ્રયાસોને સફળ બનાવવા માટે સમાજના દરેક વર્ગે સહભાગી બનવું જરૂરી છે. સરકાર, સંસ્થાઓ અને સામાન્ય નાગરિકો સાથે મળીને કાર્ય કરશે ત્યારે જ હરિયાળું અને સ્વચ્છ ગુજરાતનું સ્વપ્ન સાકાર થઈ શકશે.
જીતુભાઈ પટેલે ખેડૂતોને પણ વૃક્ષારોપણ માટે પ્રોત્સાહિત કરતાં જણાવ્યું કે સરકારની “વન કવર” જેવી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવો જોઈએ. ખેડૂતોના ખાલી પડેલા શેઢા અને ઉપયોગમાં ન આવતા વિસ્તારોમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તો પર્યાવરણને લાભ થવાની સાથે ખેડૂતોને ભવિષ્યમાં આર્થિક લાભ પણ મળી શકે છે. તેમણે સૂચન કર્યું કે વૃક્ષારોપણ માટે ખેડૂતોને આપવામાં આવતી સબસિડીમાં વધારો કરવામાં આવે તો વધુ ખેડૂતો આ અભિયાન સાથે જોડાઈ શકે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે “એક વૃક્ષ વાવો, ભલે એક જ વાવો, પરંતુ તેને સાચવો.” આ સૂત્ર માત્ર સંદેશ નથી, પરંતુ પર્યાવરણ બચાવવાનો સૌથી અસરકારક માર્ગ છે. વાવેલા વૃક્ષનું સંરક્ષણ કરવામાં આવશે તો જ આવનારી પેઢીઓને સ્વચ્છ હવા, પૂરતું પાણી અને સંતુલિત પર્યાવરણ મળી શકશે.
ગ્રીન ગ્લોબલ બ્રિગેડ છેલ્લા ઘણા વર્ષોથી “પર્યાવરણ સુરક્ષા” અને “Every Seed Counts”ના સૂત્ર સાથે કાર્યરત છે. હરિયાળું ગુજરાત બનાવવાના સંકલ્પ સાથે સંસ્થા દ્વારા રાજ્યભરમાં લાખો વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન કરવામાં આવ્યું છે. મહેસાણાના વિજાપુર રોડ પર આવેલું “તિરુપતિ ઋષિવન” તેનું જીવંત ઉદાહરણ છે. આશરે 100 એકરમાં ફેલાયેલું આ માનવસર્જિત જંગલ આજે ઉત્તર ગુજરાતના મહત્ત્વના ગ્રીન ઝોન પૈકીનું એક ગણાય છે.
ગુજરાતના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા 18 વર્ષથી વિસનગર સહિતના વિસ્તારોમાં ખેડૂતો અને પર્યાવરણપ્રેમીઓને નિઃશુલ્ક રોપાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. હજારો ખેડૂતો અને યુવાનો આ અભિયાન સાથે જોડાઈ પર્યાવરણ સંરક્ષણની દિશામાં કાર્ય કરી રહ્યા છે.
વિશ્વ પર્યાવરણ દિવસના આ અવસરે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા આપવામાં આવેલો સંદેશ સ્પષ્ટ છે કે પર્યાવરણનું રક્ષણ માત્ર સરકાર કે સંસ્થાઓની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની ફરજ છે. જો દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે અને તેનું જતન કરે તો હરિયાળું, સ્વસ્થ અને પર્યાવરણમૈત્રી ગુજરાતનું નિર્માણ શક્ય બની શકે છે.





