એનએચએઆઈની ગંભીર બેદરકારીથી સહકારી જિન પાસે હાઈવે પર પાણી ભરાયા
૧૦ દિવસથી ગંદકી વચ્ચે લોકો પરેશાન, રજૂઆત છતાં કાર્યવાહી નહીં

એનએચએઆઈની ગંભીર બેદરકારીથી સહકારી જિન પાસે હાઈવે પર પાણી ભરાયા
૧૦ દિવસથી ગંદકી વચ્ચે લોકો પરેશાન, રજૂઆત છતાં કાર્યવાહી નહીં
હિંમતનગર, પ્રતિનિધિ :
હિંમતનગરના સહકારી જિન નજીક આવેલા ન્યૂ સકલ બજાજ શોરૂમ પાસે નેશનલ હાઈવેની બાજુમાં છેલ્લા આશરે ૧૦ દિવસથી પાણી ભરાયેલા રહેતાં સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. એનએચએઆઈની ગંભીર બેદરકારીના કારણે રોડની સાઈડમાં ગંદુ પાણી ભરાઈ રહેતાં વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધ ફેલાઈ રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ સમસ્યાને લઈને અનેક વખત સંબંધિત તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. સતત પાણી ભરાયેલા રહેવાના કારણે વેપારીઓ, રાહદારીઓ તેમજ વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
રોડની બાજુમાં પાણી ભરાઈ રહેતાં વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે પાણી અને કાદવના કારણે માર્ગની સ્થિતિ સ્પષ્ટ દેખાતી ન હોવાથી અકસ્માત સર્જાવાની શક્યતા વધી ગઈ છે. બીજી તરફ, ગંદા પાણીના કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે ચેપી રોગચાળો ફેલાવાની પણ દહેશત ઉભી થઈ છે.
સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે નેશનલ હાઈવે જેવી મહત્વપૂર્ણ માર્ગ વ્યવસ્થામાં યોગ્ય ડ્રેનેજ અને પાણી નિકાલની સુવિધાનો અભાવ હોવો ગંભીર બાબત છે. લોકોનો આક્ષેપ છે કે તંત્રની ઉદાસીનતાના કારણે સામાન્ય નાગરિકોને મુશ્કેલી ભોગવવી પડી રહી છે.
સ્થાનિક લોકોએ તાત્કાલિક પાણીનો નિકાલ કરી વિસ્તારની સફાઈ હાથ ધરવામાં આવે તેમજ જવાબદાર અધિકારીઓ સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો લોકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.




