હિંમતનગર શહેર કોંગ્રેસ દ્વારા સ્વ. રાજીવ ગાંધીની જન્મજયંતી ઉજવાઈ

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય, મોતીપુરા ખાતે આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, દેશના પૂર્વ પ્રધાનમંત્રી તથા ‘ભારત રત્ન’ સ્વ. શ્રી રાજીવ ગાંધીની જન્મજયંતી (સદ્ભાવના દિવસ) નિમિત્તે શ્રદ્ધાંજલિ અને ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.
હિંમતનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓએ સ્વ. રાજીવ ગાંધીની તસવીર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી તેમના દેશપ્રતિના પ્રદાનને ભાવપૂર્વક યાદ કર્યું હતું.
આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે, સ્વ. રાજીવ ગાંધી ભારતમાં આઈ.ટી. અને ટેલિકોમ ક્રાંતિના પ્રણેતા હતા. તેમણે ૧૮ વર્ષની વયે મતાધિકાર આપી યુવાનોને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર બનાવ્યા હતા, તેમજ પંચાયતી રાજ વ્યવસ્થાને બંધારણીય મજબૂતી આપી સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું હતું.
આ ઉજવણી કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ તેમજ હિંમતનગર શહેર કોંગ્રેસના વિવિધ સેલના વરિષ્ઠ હોદ્દેદારો, કાર્યકરો અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
— કુમાર એમ. ભાટ, મીડિયા કન્વીનર, સાબરકાંઠા મીડિયા સેલ




