ખેડબ્રહ્મા પોલીસે દારૂ સાથે આરોપીને ઝડપી પાડ્યો, રૂ.૩.૨૦ લાખનો મુદ્દામાલ કબજે

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન દ્વારા આંતરરાજ્ય બોર્ડર ઉપરથી પ્રોહિબિશન લગત ગેરકાયદેસર દારૂની હેરાફેરી ઝડપી પાડવામાં આવી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) અને પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહીલ (IPS) તથા ડો. કુલદીપ નાયી, ખેડબ્રહ્મા વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂબંધી કડક બનાવવા આપવામાં આવેલી સૂચનાના પગલે પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી. હડાત તથા સર્વેલન્સ ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એમ. વસૈયા અને સ્ટાફ પેટ્રોલિંગમાં કાર્યરત હતા.
આ દરમિયાન બાતમીદાર મારફતે મળેલી ખાનગી બાતમીના આધારે રાજસ્થાનના કોટા તરફથી એક સિલ્વર કલરની ઇકો ગાડી (નંબર જી.જે.૦૭.ડી.બી.૨૧૮૦) ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને ખેડબ્રહ્મા તરફ આવી રહી હોવાની માહિતી મળી હતી. આ બાતમીના આધારે પોલીસ ટીમે મેત્રાલ ગામના ત્રણ રસ્તા ઉપર નાકાબંધી કરી વાહન ચેકિંગ હાથ ધર્યું હતું.
ચેકિંગ દરમિયાન ઉલ્લેખિત ગાડી આવતાં ડ્રાઇવરે પોતાની ગાડી ઊભી રાખી હતી. ગાડીના બોનેટની અંદરના ભાગમાં કાગળમાં વીંટાળેલી હાલતમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની બોટલો તથા બિયરની બોટલો મળી આવી હતી. કુલ ૧૭૦ બોટલ, જેની કિંમત રૂ. ૩૫,૦૪૦ થાય છે, તે કબજે લેવામાં આવી હતી. સાથે જ ઇકો ગાડીની કિંમત રૂ. ૨,૭૫,૦૦૦ અને સેમસંગ કંપનીના મોબાઇલની કિંમત રૂ. ૧૦,૦૦૦ મળી કુલ રૂ. ૩,૨૦,૦૪૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પકડાયેલ આરોપી: આદમભાઈ રસુલભાઈ મનસુરી (રહે. રોયલ રેસિડન્સી, વિજાપુર રોડ, હિંમતનગર, જિ. સાબરકાંઠા).
પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી. હડાત, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એમ. વસૈયા, એ.એસ.આઈ. સુનિલકુમાર કાન્તિભાઈ, પોલીસ કોન્સ્ટેબલ સુમતિભાઈ ચંદ્રભાઈ, વિનોદભાઈ મેવાભાઈ તથા પ્રા.પો.કો. જયદિપકુમાર હસમુખભાઈનો સહયોગ રહ્યો હતો.




