રાજ્ય

સાબરકાંઠામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: પાક બચાવવા બોર-કૂવાનો સહારો, જળાશયો નર્મદાના પાણીથી ભરવા માંગ

સાબરકાંઠા જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝનમાં અપેક્ષા મુજબ વરસાદ ન વરસતા ખેતી ક્ષેત્રે મોટુ સંકટ ઊભું થયું છે. વરસાદ ખેંચાવાના કારણે ખેતરોમાં ઉભો પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. હાલ ખેડૂતો પોતાના તૈયાર પાકને બચાવવા માટે બોર અને કૂવા મારફતે સિંચાઈ કરવા મજબૂર બન્યા છે. પાણીનો બગાડ અટકાવવા ખેડૂતો સ્પ્રિંકલર, મિની સ્પ્રિંકલર અને ડ્રિપ ઇરિગેશન જેવી ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ લાંબા સમય સુધી આ રીતે સિંચાઈ કરવી આર્થિક અને વ્યવહારિક રીતે મુશ્કેલ બની રહી છે.

હડિયોલ ગામના ખેડૂતો યોગેશભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ અને વિપુલભાઈ પટેલે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ચોમાસુ પાક તો બોર-કૂવાના સહારે માંડ બચાવી શકાશે, પરંતુ ખરી ચિંતા આગામી રવિ સિઝનની છે. રવિ સિઝનમાં ઘઉં, બટાકા અને ચણા જેવા મુખ્ય પાકો માટે વારંવાર અને મોટા પ્રમાણમાં સિંચાઈની જરૂર પડે છે. જો અત્યારથી યોગ્ય આયોજન કરવામાં નહીં આવે તો ભૂગર્ભ જળસ્તર વધુ ઊંડા જશે અને રવિ સિઝન નિષ્ફળ જવાની ભીતિ છે.

જિલ્લાના મુખ્ય જળાશયોની સ્થિતિ

સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર નિકુંજ પટેલના જણાવ્યા મુજબ, જિલ્લાના જળાશયોમાં પાણીનો સંગ્રહ મર્યાદિત રહ્યો છે:

  • હાથમતી જળાશય: 63% (સાબરકાંઠાના 76 અને ગાંધીનગરના 14 ગામો માટે સિંચાઈનો મુખ્ય સ્ત્રોત)

  • ખેડવા જળાશય: 62%

  • ગુહાઈ જળાશય: 57%

  • હરણાવ જળાશય: 39%

ખેડૂતોની મુખ્ય માંગણીઓ

  • નર્મદાના પાણીથી જળાશયો ભરવા: સ્થાનિક જળાશયોમાં પાણીનો ઓછો સંગ્રહ હોવાથી તેમાં નર્મદાની મુખ્ય કેનાલમાંથી નીર ઠાલવવામાં આવે.

  • કેનાલ મારફતે સિંચાઈ: ખેતી માટે સમયસર કેનાલ મારફતે સિંચાઈનું પાણી છોડવામાં આવે જેથી વર્તમાન પાક સાથે આગામી રવિ સિઝનનું વાવેતર પણ સુરક્ષિત થઈ શકે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!