હિંમતનગર માર્કેટયાર્ડમાં મગફળીની બમ્પર આવક: ખેડૂતોને પ્રતિ મણ રૂ. ૧૬૦૦ થી ૨૦૭૦ સુધીના મળ્યા પોષણક્ષમ ભાવ
અત્યાર સુધીમાં ૩.૦૨ લાખ બોરીથી વધુ મગફળીની આવક નોંધાઈ; રોજિંદી ૩૦ હજાર બોરીની થઈ રહી છે આવક

યાર્ડના શેડ ભરાઈ જતાં વૈશાલી સિનેમા પાસેના ગ્રાઉન્ડમાં વધારાની સુવિધા કરાઈ: ટોકન પદ્ધતિ, ભોજન અને રાત્રિ રોકાણની વ્યવસ્થા
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સ્થિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ખાતે હાલ મગફળીની મબલખ આવક થઈ રહી છે. મગફળીની ખરીદી માટે ખેડૂતોની સાથે વેપારીઓ પણ મોટી સંખ્યામાં માર્કેટયાર્ડમાં પહોંચી રહ્યા છે. ગુણવત્તાપ્રમાણે ખેડૂતોને પ્રતિ મણ ₹૧૬૦૦ થી ₹૨૦૭૦ સુધીના સારા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. ૧૪ સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ૩ લાખથી વધુ બોરીની આવક
હિંમતનગર માર્કેટયાર્ડમાં ગત ૧૪ સપ્ટેમ્બરથી મગફળીની આવક શરૂ થઈ હતી. અત્યાર સુધીમાં કુલ ૩,૦૨,૬૩૦ બોરી મગફળીની આવક નોંધાઈ ચૂકી છે. હાલમાં પ્રતિદિન અંદાજે ૩૦,૦૦૦ બોરી મગફળીની આવક થઈ રહી છે. ભાવ અંગે વાત કરીએ તો અગાઉ મગફળીનો ઊંચામાં ઊંચો ભાવ ₹૨૨૦૦ સુધી બોલાયો હતો, જ્યારે હાલ ગુણવત્તા અનુસાર ₹૧૬૦૦ થી ₹૨૦૭૦ સુધીનો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. હિંમતપુરના મનોજભાઈ પટેલ અને હુંજ ગામના વિપિનભાઈ પટેલ નામના ખેડૂતોએ સારા ભાવ મળવા બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો.યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતો માટે વિશેષ સુવિધાઓ મગફળીની પુષ્કળ આવકના કારણે માર્કેટયાર્ડના તમામ શેડ ભરાઈ ગયા છે. જેથી ખેડૂતોને કોઈ અગવડ ન પડે તે માટે વૈશાલી સિનેમા પાસે આવેલા ગ્રાઉન્ડમાં મગફળી ઉતારવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.હિંમતનગર APMCના સેક્રેટરી સિદ્ધરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને સુચારુ રીતે પ્રવેશ મળે તે માટે ટોકન પદ્ધતિ અમલી બનાવાઈ છે. આ ઉપરાંત યાર્ડમાં આવતા ખેડૂતો માટે ભોજન, ચા-નાસ્તો અને રાત્રિ રોકાણની તમામ સગવડો પૂરી પાડવામાં આવી રહી છે.આગામી દિવસોમાં પણ મગફળીની આવક જળવાઈ રહેવાની શક્યતા વચ્ચે ખેડૂતોની નજર માર્કેટમાં ભાવના તાલમેલ પર ટકેલી છે.




