પોશીનાના વલસાડી ગામે કપાસના વાવેતરની આડમાં ચાલતું ગાંજાનું ગેરકાયદેસર વાવેતર ઝડપાયું

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના વલસાડી ગામે કપાસના વાવેતરની આડમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવતું માદક પદાર્થ ગાંજાનું વાવેતર પોશીના પોલીસે ઝડપી પાડી સફળ કામગીરી કરી છે। પોલીસે સ્થળ પરથી રૂ. ૧૬,૩૬,૭૦૦/- ની કિંમતનો ૩૨.૭૩૪ કિલોગ્રામ ગાંજાનો કોમર્શિયલ જથ્થો જપ્ત કરી એક ઈસમ સામે NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।
“SAY NO TO DRUGS” અભિયાન હેઠળ કાર્યવાહી
ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ (IPS) તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) દ્વારા જિલ્લામાં યુવાધન નશાના રવાડે ન ચડે અને ડ્રગ્સ મુક્ત સાબરકાંઠા સુનિશ્ચિત થાય તે માટે “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત માદક પદાર્થોનું ખરીદ-વેચાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી।
આ સૂચનાઓ મુજબ ખેડબ્રહ્મા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડૉ. કુલદિપકુમાર નાયીના માર્ગદર્શન હેઠળ I/C પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.બી. વાઘેલા અને તેમની ટીમે સતત પેટ્રોલીંગ અને વોચ ગોઠવી હતી।
બાતમીના આધારે દરોડો
પેટ્રોલીંગ દરમિયાન પોલીસને ચોક્કસ માનવ બાતમી (Human Sourcing) મળી હતી કે વલસાડી ગામના મુખી ફળિયામાં રહેતો દીપકભાઈ હીરાભાઈ બુંબડીયા પોતાના કબ્જા ભોગવટાના ખેતરમાં માદક પદાર્થ ગાંજાનું વાવેતર કરી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે તુરંત સ્થળ પર પ્રત્યક્ષ જઈ તપાસ કરતા કપાસના વાવેતરની વચ્ચે છુપાવીને વાવવામાં આવેલા ગાંજાના છોડ મળી આવ્યા હતા।
જપ્ત કરાયેલ મુદ્દામાલ અને આરોપીની વિગત:
-
ઝડપાયેલ જથ્થો: ગાંજાના લીલા છોડ – ૧૮૧ નંગ (કુલ વજન: ૩૨.૭૩૪ કિલોગ્રામ)
-
કુલ કિંમત: ₹૧૬,૩૬,૭૦૦/-
-
ઝડપાયેલ આરોપી: દીપકભાઈ હીરાભાઈ બુંબડીયા (ઉં.વ. ૩૬, રહે. વલસાડી, મુખી ફળિયું, તા. પોશીના, જી. સાબરકાંઠા)
સફળ કામગીરી કરનાર પોલીસ ટીમ
આ સફળ કામગીરી ખેડબ્રહ્મા પો.ઇન્સ. શ્રી ડી.એન. સાધુ, પોશીના I/C પો.ઇન્સ. શ્રી એન.બી. વાઘેલા, પો.ઇન્સ. શ્રી વી.બી. મેઘનાથી, ASI અમીતકુમાર, HC સિદ્ધરાજસિંહ, HC જયદીપકુમાર, HC દિલીપભાઈ, PC કલ્યાણસિંહ, PC અજયસિંહ, PC કલ્પેશકુમાર, PC મુકેશકુમાર, PC સોમાભાઈ, ALR દશરથભાઇ, ALR દિપકભાઇ તથા ડ્રાઇવર PC કિંજલભાઈ સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી।




