ઇડર

ઈડર રાણી તળાવ વિકાસ કામમાં ગંભીર પોલ: નહિવત વરસાદમાં દીવાલ નીચેથી માટી ધોવાઈ જતાં દીવાલ અદ્ધર, ઉપર થઈ રહ્યા છે રંગ-રોગાન!

ઈડર નગરપાલિકા દ્વારા અમૃત ૨.૦ યોજના હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે ઐતિહાસિક રાણી તળાવના સુંદરીકરણ અને વિકાસની કામગીરી ચાલી રહી છે. પરંતુ આ વિકાસકાર્યોની ગુણવત્તા સામે અત્યારથી જ ગંભીર સવાલો ઉભા થયા છે. ચોમાસા દરમિયાન પડેલા નહિવત વરસાદમાં જ તળાવ પરિસરમાં કરવામાં આવેલા માટીકામ અને પ્રોટેક્શન વોલ નીચેથી મોટા પ્રમાણમાં માટી ધોવાઈ ગઈ છે.

માટી ધોવાઈ ગઈ છતાં રેલિંગ અને રંગ-રોગાનનું કામ ચાલુ

સ્થળ પરના વિડિયો ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તળાવની કોંક્રીટ પ્રોટેક્શન વોલ અને તેના નીચેના પિલરોની આસપાસની માટી સંપૂર્ણપણે ધોવાઈ જવાને કારણે દીવાલ નીચે મોટું પોલાણ થઈ ગયું છે અને તે હવામાં અદ્ધર લટકી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે દીવાલ નીચેથી પાયો જ ખસી ગયો હોવા છતાં ઉપરના ભાગે રેલિંગ લગાવી દેવામાં આવી છે અને રંગ-રોગાન તથા સુંદરીકરણની કામગીરી ધમધમી રહી છે.

ભારે વરસાદ થાય તો શું પરિણામ આવે? વિચારીને જ કંપારી છૂટે છે

માટીકામમાં પડેલા આ મોટા ગાબડાં અને ધોવાણ પર સંબંધિત અધિકારીઓ કે એજન્સીની નજર કેમ નથી પડી? તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે જો ચોમાસામાં નહિવત વરસાદમાં આટલું મોટું માટીનું ધોવાણ થયું છે, તો જો વરસાદનું પ્રમાણ વધારે હોત તો શું હાલત થઈ હોત? ભારે વરસાદ થાય તો આ કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ ગણતરીની મિનિટોમાં ધરાશાયી થઈ શકે છે અને મોટી હોનારત સર્જાઈ શકે છે, જેની કલ્પના માત્રથી પણ કંપારી છૂટી જાય છે. નાગરિકો અને કરદાતાઓ દ્વારા તંત્ર સામે તીવ્ર રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે તાત્કાલિક ધોરણે આ નબળા બાંધકામની તપાસ કરીને યોગ્ય સુધારણાત્મક પગલાં ભરવામાં આવે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!