સાબરકાંઠાની શાળાઓમાં શિક્ષણ ક્ષેત્રે મોટો ફેરફાર: ૩૧ ઓક્ટોબરે ૧૫૦ શિક્ષકો-આચાર્યો વય નિવૃત્ત થશે
દિવાળી વેકેશન દરમિયાન સમગ્ર રાજ્યમાં શિક્ષકોના બદલી કેમ્પ યોજાવાની પ્રબળ શક્યતા | શિક્ષણ તંત્ર દ્વારા ખાલી જગ્યાઓની વિગતો એકત્રિત કરવાની કામગીરી તેજ કરાઈ

સાબરકાંઠા જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના શૈક્ષણિક વહીવટમાં આગામી દિવસોમાં મોટો ફેરફાર જોવા મળશે. જિલ્લામાં કાર્યરત અંદાજે ૧,૦૦૦થી વધુ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાંથી વિવિધ વિષયના શિક્ષકો અને આચાર્યો મળીને કુલ ૧૫૦ જેટલા શૈક્ષણિક કર્મચારીઓ આગામી ૩૧ ઓક્ટોબરે પોતાની પ૮ વર્ષની વય મર્યાદા પૂર્ણ કરી સેવા નિવૃત્ત થઈ રહ્યા છે. નિવૃત્તિના કારણે ખાલી પડનારી આ જગ્યાઓને પગલે શાળાઓનો શૈક્ષણિક કાર્યભાર ન ખોરવાય તે માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા અત્યારથી જ આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
માધ્યમિકના ૫૬ અને પ્રાથમિકના ૯૪ શિક્ષકો નિવૃત્ત થશે
જિલ્લા શિક્ષણ વિભાગ પાસેથી પ્રાપ્ત સત્તાવાર વિગતો અનુસાર, ૩૧ ઓક્ટોબરે વય નિવૃત્ત થનારા ૧૫૦ શિક્ષકોમાંથી સૌથી વધુ સંખ્યા પ્રાથમિક વિભાગના શિક્ષકોની છે. જેમાં:
-
પ્રાથમિક વિભાગ: ૯૪ શિક્ષકો
-
માધ્યમિક વિભાગ: ૫૬ શિક્ષકો
સરકારી નિયમ મુજબ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો તેમજ આચાર્યો તેમની પ્રથમ ભરતીની તારીખથી પ૮ વર્ષ પૂરાં થતાં નિવૃત્ત થાય છે. ચાલુ માસના અંતે એકસાથે મોટી સંખ્યામાં શિક્ષકો નિવૃત્ત થવાના હોવાથી જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારોની શાળાઓમાં શિક્ષકો અને વર્ગખંડો ખાલી પડવાની પરિસ્થિતિ સર્જાશે.
દિવાળી વેકેશનમાં બદલી કેમ્પ અને નવી ભરતીનું આયોજન
સમયાંતરે શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં ઘટ પૂરવા માટે જિલ્લા અંતર્ગત તેમજ જિલ્લા ફેર બદલી કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. પ્રાપ્ત માહિતી મુજબ, આગામી દિવાળી વેકેશન દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં શિક્ષકોના બદલી કેમ્પ યોજાય તેવી પૂર્ણ શક્યતાઓ સેવાઈ રહી છે.
બદલી કેમ્પના આયોજનના ભાગરૂપે હાલના તબક્કે સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO) અને જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)ની કચેરી દ્વારા તમામ તાલુકાઓ અને શાળાઓમાંથી નિવૃત્તિ તેમજ અન્ય કારણોસર ખાલી પડતી જગ્યાઓ અંગેનો આંકડાકીય અહેવાલ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. બદલી કેમ્પ પૂર્ણ થયા બાદ જરૂરિયાત મુજબ નવી વિદ્યાસહાયકોની ભરતી પ્રક્રિયા કરીને ખાલી જગ્યાઓ પર નવા શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે, જેથી નવું સત્ર શરૂ થતાં જ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય સુચારૂ રૂપે ચાલુ રાખી શકાય.




