શારદીય નવરાત્રિના છઠ્ઠા નોરતે મા કાત્યાયની દેવીની ઉપાસના કરીએ.

ચંદ્રહાસોજ્જ્વલકરા શાર્દૂલવરવાહના
કાત્યાયની શુભં દદ્યાદેવી દાનવઘાતિની
ચંદ્રહાસ નામની તલવારથી શોભતાં,સિંહ જેવા પરાક્રમી વાહન પર બિરાજતાં અને દાનવોનો સંહાર કરનારાં મા કાત્યાયની દેવી આપણું કલ્યાણ કરે.નવરાત્રિના નવ દિવસો દરમિયાન આદ્યશક્તિ મા દુર્ગાનાં નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.નવરાત્રિના છઠ્ઠા દિવસે મા દુર્ગાનાં છઠ્ઠાં સ્વરૂપ મા કાત્યાયની ની ઉપાસના કરવામાં આવે છે.માતાનું આ સ્વરૂપ શક્તિ, શૌર્ય, નિર્ભયતા અને ધર્મની રક્ષાનું પ્રતીક છે. વ્યવહારમાં સંયમ, સાધના, કરૂણા અને દ્રઢ નિશ્ચયને ધારણ કરનાર દરેક વ્યક્તિમાં માતાના દિવ્ય ગુણોનું દર્શન કરી શકાય છે.આવો આજે મા કાત્યાયનીના પૌરાણિક સ્વરૂપની સાથે તેમના આધ્યાત્મિક સંદેશનું પણ ચિંતન કરીએ.વ્યવહારમાં સંયમ અને સાધનાને ધારણ કરનાર દરેક સ્ત્રીમાં મા કાત્યાયનીનાં દિવ્ય ગુણોનું દર્શન કરી શકાય છે.
મા કાત્યાયનીના પ્રાગટ્યની કથા..
મા કાત્યાયનીના નામ અને પ્રાગટ્ય વિશે વિવિધ પુરાણોમાં કથાઓ વર્ણવવામાં આવી છે. પ્રચલિત કથા અનુસાર મહર્ષિ કાત્યાયને આદ્યશક્તિ ભગવતીની પ્રસન્નતા માટે કઠિન તપસ્યા કરી હતી, તેમની ઇચ્છા હતી કે જગદંબા તેમના ઘરે પુત્રીના રૂપમાં અવતરે, માતાએ તેમની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને તેમના કુળમાં પ્રગટ થયાં હોવાથી તેઓ કાત્યાયની તરીકે પ્રસિદ્ધ થયાં, આ કથા ભક્તિ-તપસ્યા અને નિષ્ઠાપૂર્ણ પ્રાર્થનાનું મહત્વ સમજાવે છે.
બીજી મહત્વપૂર્ણ કથા માર્કંડેય પુરાણના દેવીમાહાત્મ્ય અને દુર્ગા સપ્તશતી માં મળે છે. મહિષાસુરે દેવતાઓને પરાજિત કરીને ત્રણે લોકમાં અત્યાચાર ફેલાવ્યો હતો, પરાજિત દેવતાઓએ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સહિત પરમ શક્તિની પ્રાર્થના કરી, ત્યારે દેવતાઓના તેજના સમન્વયમાંથી એક દિવ્ય દેવીશક્તિ પ્રગટ થઈ.દેવતાઓએ તેમને વિવિધ દિવ્ય શસ્ત્રો અર્પણ કર્યાં.સિંહ પર સવાર થઈને દેવી મહિષાસુર અને તેની અસુરસેનાનો સંહાર કરે છે અને દેવતાઓને તેમનાં અધિકારો પાછાં અપાવે છે આથી દેવી મહિષાસુરમર્દિની તરીકે પણ પ્રસિદ્ધ થયાં, આ પ્રસંગ દેવીમાહાત્મ્યના બીજા-ત્રીજા અને ચોથા અધ્યાયોમાં વર્ણવાયેલો છે.
આ કથાનો આધ્યાત્મિક અર્થ એ છે કે જ્યારે અહંકાર-અન્યાય અને આસુરી વૃત્તિઓ જીવનમાં પ્રબળ બને છે ત્યારે સદ્ગુણો-એકતા અને ધર્મનિષ્ઠાના બળથી તેમનો સામનો કરી શકાય છે.મહિષાસુરનો વધ માત્ર એક પૌરાણિક વિજય નથી પરંતુ મનુષ્યની અંદર રહેલી નકારાત્મક વૃત્તિઓ પર વિજય મેળવવાની પ્રેરણા પણ છે.
શ્રીમદ્ ભાગવતમાં કાત્યાયનીવ્રતનું મહત્વ..
શ્રીમદ્ ભાગવત મહાપુરાણના દશમ સ્કંધના બાવીસમા અધ્યાયમાં વ્રજની ગોપીઓ દ્વારા મા કાત્યાયનીની આરાધનાનો સુંદર પ્રસંગ મળે છે.ગોપીઓએ ભગવાન શ્રીકૃષ્ણને પતિરૂપે પ્રાપ્ત કરવાની ભાવનાથી માર્ગશીર્ષ મહિનામાં કાત્યાયનીવ્રત કર્યું હતું, તેઓ વહેલી સવારે યમુના નદીમાં સ્નાન કરીને નદીકિનારે દેવીની પ્રતિમા બનાવી શ્રદ્ધાપૂર્વક પૂજા કરતી હતી.
ગોપીઓ મા કાત્યાયનીને મહામાયા-મહાયોગિની અને જગતની અધિષ્ઠાત્રી શક્તિ તરીકે વંદન કરીને શ્રીકૃષ્ણને પતિરૂપે પ્રાપ્ત કરવાની પ્રાર્થના કરે છે, આ પ્રસંગ ભક્તિની એકાગ્રતા અને પોતાના આરાધ્ય પ્રત્યેની નિષ્ઠા દર્શાવે છે.ધાર્મિક પરંપરામાં આથી કુમારિકાઓ દ્વારા યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ અને સુખી દાંપત્યજીવનની મનોકામના સાથે મા કાત્યાયનીની ઉપાસના કરવામાં આવે છે.
મા કાત્યાયનીનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને તેજસ્વી માનવામાં આવે છે.નવદુર્ગાની પ્રચલિત ઉપાસના પદ્ધતિમાં તેમને ચાર હાથવાળાં અને સિંહ પર બિરાજતાં દર્શાવવામાં આવે છે, તેમના હાથમાં અભયમુદ્રા,વરમુદ્રા,તલવાર અને કમળ જેવા પ્રતીકો જોવા મળે છે.
તલવાર અજ્ઞાન-અહંકાર અને અન્યાયનો નાશ કરવાના સંકલ્પનું પ્રતીક છે.કમળ પવિત્રતા અને નિર્લેપતાનો સંદેશ આપે છે.અભયમુદ્રા નિર્ભયતાનું આશ્વાસન આપે છે જ્યારે વરમુદ્રા કૃપા અને કલ્યાણની ભાવના પ્રગટ કરે છે.સિંહ સાહસ-આત્મબળ અને દુષ્ટ વૃત્તિઓ સામે લડવાની શક્તિનું પ્રતીક છે.
આ પ્રતીકો આપણને સમજાવે છે કે સાચી શક્તિ માત્ર બાહ્ય પરાક્રમમાં નથી પરંતુ મનની નબળાઈઓને ઓળખવામાં, સત્યના માર્ગે અડગ રહેવામાં અને બીજાના કલ્યાણ માટે કાર્ય કરવામાં છે.
નવદુર્ગાની ઉપાસના સાથે જોડાયેલી કેટલીક યોગપરંપરાઓમાં મા કાત્યાયનીની આરાધનાને આજ્ઞાચક્ર સાથે સાંકળવામાં આવે છે. આજ્ઞાચક્રને ભ્રૂમધ્યનું સૂક્ષ્મ આધ્યાત્મિક કેન્દ્ર માનવામાં આવે છે, તે એકાગ્રતા,અંતદ્રષ્ટિ,આત્મનિરીક્ષણ અને વિવેકનું પ્રતીક છે.સાધનાના માર્ગે ચાલનાર વ્યક્તિએ પોતાના મનને સ્થિર કરીને વિચારો અને વર્તનનું નિરીક્ષણ કરવું જોઈએ.ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા અને અહંકાર જેવી વૃત્તિઓને ઓળખીને તેમના પર વિજય મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ.આ રીતે આજ્ઞાચક્રનું આધ્યાત્મિક ચિંતન આપણને જાગૃતિ અને આત્મસંયમ તરફ દોરી જાય છે.
શક્તિની ઉપાસના ત્યારે જ સાર્થક બને છે જ્યારે ભક્ત પોતાના જીવનમાં સદ્ગુણોનો વિકાસ કરે અને પોતાના કર્મો દ્વારા સમાજનું કલ્યાણ કરે. મા કાત્યાયનીની ભક્તિથી સાધકને ધર્મ,અર્થ,કામ અને મોક્ષ જેવા ચાર પુરૂષાર્થની પ્રાપ્તિ માટે પ્રેરણા મળે છે,તેમની ઉપાસના આત્મબળ,સાહસ,નિષ્ઠા અને આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ દર્શાવે છે.ભક્તો માતાની કૃપાથી દુઃખ,ભય અને મુશ્કેલીઓ દૂર થાય તેવી શ્રદ્ધા ધરાવે છે.
નવરાત્રિના છઠ્ઠા દિવસે માતાને મધ અર્પણ કરવાની પરંપરા પણ પ્રચલિત છે. લાલ રંગને શક્તિ-ઉત્સાહ અને સાહસનું પ્રતીક માનવામાં આવતો હોવાથી કેટલીક ઉપાસનાપદ્ધતિઓમાં લાલ વસ્ત્રો અને લાલ પુષ્પોનો ઉપયોગ કરવામાં આવે છે.આ વિધિઓ કરતાં પણ વધુ મહત્વ ભાવપૂર્વકની ભક્તિ-શુદ્ધ આચરણ અને સદ્કર્મોનું છે.
દેવીમાહાત્મ્યમાં દેવીને સમસ્ત જગતની શક્તિ અને ચેતનાના આધારરૂપે વંદન કરવામાં આવે છે. આ ભાવના આપણને દરેક જીવમાં દિવ્યતાનું દર્શન કરવાની પ્રેરણા આપે છે. સ્ત્રીશક્તિનું સન્માન, નબળા વર્ગોની રક્ષા, અન્યાયનો વિરોધ અને માનવતાની સેવા પણ શક્તિની આરાધનાનાં વ્યવહારૂ સ્વરૂપો છે. મા કાત્યાયનીની ઉપાસના આપણને શીખવે છે કે જીવનમાં શક્તિની સાથે સંયમ-સાહસની સાથે વિવેક અને શ્રદ્ધાની સાથે સમર્પણ પણ જરૂરી છે.અન્યાય સામે અવાજ ઉઠાવવો,ધર્મના માર્ગે ચાલવું,મનની નબળાઈઓ પર વિજય મેળવવો અને જીવનમાં સદ્ગુણોનું જતન કરવું એ જ શક્તિની સાચી આરાધના છે. આ નવરાત્રિએ આપણે મા કાત્યાયનીનાં ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણાં જીવનમાં જ્ઞાન, શક્તિ, નિર્ભયતા,પ્રેમ અને ભક્તિનો પ્રકાશ ફેલાય,આપણું મન પવિત્ર બને, વિચારોમાં સાત્વિકતા આવે, વર્તનમાં વિનમ્રતા રહે અને આપણાં કર્મો સમાજના કલ્યાણ માટે ઉપયોગી બને. માતાની ભક્તિ આપણને માત્ર મનોકામનાઓની પૂર્તિ માટે જ નહીં પરંતુ સત્ય-ધર્મ અને માનવતાના માર્ગે આગળ વધવા માટે પણ પ્રેરિત કરે.
આલેખનઃ
વિનોદભાઈ માછી નિરંકારી
નવીવાડી, તા. શહેરા, જી. પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫ (મો)




