દેલવાડા-મતરવાડા રોડ પરથી વાહનના ગુપ્ત ખાનામાં લઈ જવાતો રૂા. ૧૧.૭૦ લાખનો દારૂ પકડાયો
ખેરોજ પોલીસે રૂા. ૧૩.૭૬ લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપી લીધો

શીતલ ઠાકર, ગાધીનગર
વર્ષ ર૦રપ અલવિદા લઈ રહ્યું છે ત્યારે તથા વર્ષ ર૦ર૬ શરૂ થઈ જવા રહ્યું છે ત્યારે ઉત્તરાયણ પૂર્વે કેટલાક બુટલેગરો પાસ પરમીટ વિના પરપ્રાંતમાંથી દારૂનો જથ્થો સાબરકાંઠાના સીમાડાઓમાંથી ગુજરાતમાં લાવી રહ્યા છે ત્યારે મંગળવારે ખેરોજ પોલીસે બાતમીને આધારે તેમની હદમાં આવતા દેલવાડા-મતરવાડા રોડ પરથી એક પીકઅપ ડાલાને શંકાને આધારે અટકાવી તપાસ કરતા તેના ગુપ્ત ખાનામાંથી અંદાજે રૂા. ૧૧.૭૦ લાખની કિંમતની ૯૦૦ દારૂની બોટલ મળી આવી હતી. જેથી ખેરોજ પોલીસે દારૂની હેરાફેરી કરી રહેલ ચાલકની અટકાયત કરી અંદાજે રૂા. ૧૩.૭૬ લાખનો મુદ્દામાલ કબજે લઈ પકડાયેલા સહિત અન્ય બે મળી ત્રણ વિરૂધ્ધ ખેરોજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો.
આ અંગે ખેરોજના પી.આઈ ડી.એન સાધુ, પી.એસ.આઈ કે.બી. ખાંટ તથા સ્ટાફના જણાવાયા મુજબ મંગળવારે તેઓ ૩૧ ડિસેમ્બર અંતર્ગત લાંબડીયા-માલાવાડ ત્રણ રસ્તા પર વાહનચેકિંગ કરી રહ્યા હતા ત્યારે એવી બાતમી મળી હતી કે મતરવાડા તરફથી આવી રહેલ પીકઅપ ગાડી શંકાસ્પદ જણાતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા પીકઅપ ગાડીમાં બનાવાયેલ ગુપ્ત ખાનામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો. ત્યારબાદ પોલીસે પીકઅપ ડાલાના ચાલક નવીન સુભાષભાઈ જાટ(રહે. પાનામાલ્યાન, હરિયાણા) ની પુછતાછ શરૂ કરી હતી. પરંતુ ચાલકે સંતોષકારક જવાબ ન આપતા તેમાંથી અંદાજે રૂા. ૧૧.૭૦ લાખની કિંમતની ૯૦૦ દારૂની બોટલો કબજે લેવામાં આવી હતી.ત્યારબાદ પોલીસે પકડાયેલા નવીન જાટનો રૂા. ૬ હજારનો મોબાઈલ તથા રૂા. ર લાખની પીકઅપ ગાડી મળી ખેરોજ પોલીસે અંદાજે રૂા. ૧૩.૭૬ લાખનો મુદ્દામાલ કબજે લઈ નવીન જાટ તથા વિદેશી દારૂ ભરી આપનાર હરીયાણાના અશોક મેરસંગ જાટ તથા દારૂ મંગાવનાર શખ્સ મળી ત્રણેય વિરૂધ્ધ ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઈ હતી





