પ્રાંતિજ

ઇન્કમટેક્સ વિભાગની રેડ એટલે ગંભીર સંકેત! પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર સર્ચ,

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની દેખરેખ પર મોટો પ્રશ્નાર્થ

શીતલ ઠાકર,ગાંધીનગર

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ કતપુર ટોલ પ્લાઝા, જે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ના અધિકારક્ષેત્ર હેઠળ આવેલો છે, ત્યાં આજે વહેલી સવારથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેન્દ્ર સરકારના ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી આ રેડને ગંભીર કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ઇન્કમટેક્સ વિભાગની ટીમે કતપુર ટોલ પ્લાઝાની કચેરીમાં પહોંચીને ટોલટેક્સની આવક, હિસાબ-કિતાબ, દસ્તાવેજો તેમજ ડિજિટલ રેકોર્ડની સઘન તપાસ શરૂ કરી છે. ટોલ પ્લાઝાની ઓફિસમાં પંદરથી વધુ ઇન્કમટેક્સ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સતત તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.સર્ચ કાર્યવાહી દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ સહિતના સુરક્ષા કર્મચારીઓનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ટોલટેક્સની વસુલાત, આવકની નોંધ અને નાણાકીય વ્યવહારોમાં સંભવિત ભૂલ અથવા અનિયમિતતા હોવાની શંકાને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.ઉલ્લેખનીય છે કે કતપુર ટોલ પ્લાઝા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા જેવી સેન્ટ્રલ ગવર્મેન્ટની સંસ્થાની દેખરેખ હેઠળ કાર્યરત છે. ત્યારે જો ઇન્કમટેક્સ વિભાગને અહીં સર્ચ કાર્યવાહી સુધી પહોંચવું પડે, તો ટોલ સંચાલન અને દેખરેખની વ્યવસ્થામાં ક્યાંક ગંભીર ખામી કે બેદરકારી તો નથી ને? એવો પ્રશ્ન હવે ઊભો થઈ રહ્યો છે. સાથે સાથે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સંકળાયેલા અધિકારીઓની જવાબદારી પર પણ આ કાર્યવાહીથી પ્રશ્નાર્થ ઊભો થયો છે.હાલ ઇન્કમટેક્સ વિભાગની સર્ચ કાર્યવાહી ચાલુ છે. તપાસ પૂર્ણ થયા બાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા વધુ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવશે, તેવું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!