મોતીપુરા ઓવરબ્રિજના છેડા પરથી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા
એલસીબીએ રૂા. ૭.૧૪ લાખનો મુદ્દામાલ કબજે લીધો

જીજ્ઞેશ સોની હિંમતનગર
હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાંથી પસાર થતાં અમદાવાદ હાઈવે પર આવેલ ઓવરબ્રિજના છેડા પરથી સાબરકાંઠા એલસીબીએ બાતમીને આધારે શુક્રવારે પાસ પરમીટ વિના અંદાજે રૂા. ર.૯૯ લાખની કિંમતનો દારૂ અને બિયર કારમાં ભરી લઈ જતાં બે શખ્સોને ઝડપી લીધા બાદ એલસીબીએ પુછપરછ કર્યા પછી પકડાયેલા બે તથા અન્ય એક મળી ત્રણ જણા વિરૂધ્ધ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.આ અંગે જિલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલની સૂચના બાદ એલસીબીના પી.આઈ ડી.સી.સાકરીયા તથા પીએસઆઈ એસજે ચાવડા અને તેમની ટીમ દ્વારા શુક્રવારે એ.ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલીંગ કરાઈ રહ્યું હતુ. ત્યારે એવી બાતમી મળી હતી કે શામળાજી તરફથી આવી રહેલ કાર નં. જીજે૦૮એપી ૪૬૩ર માં પાસ પરમીટ વિના દારૂ અને બિયરનો જથ્થો હિંમતનગર થઈ અમદાવાદ તરફ લઈ જવાઈ રહ્યો છે. જે આધારે એલસીબીએ મોતીપુરા ઓવરબ્રિજના છેડેથી પસાર થતી બાતમી મુજબની કારને અટકાવી હતી.ત્યારબાદ કારમાં બેઠેલા મહેન્દ્ર ઉર્ફે જેકી મોહનલાલ ડાંગી(રહે. કરોલી, તા. દેલવાડા, રાજસ્થાન) અને મયુર દિનેશ મીણા (રહે. બિલખ, તા. ઋષભદેવ)ને અટકાવી પુછપરછ કર્યા બાદ દારૂ અને બિયરની હેરાફેરી કરવા અંગે જરૂરી દસ્તાવેજ રજૂ કરવા જણાવ્યું હતુ. પરંતુ આ બંને જણાએ પોલીસ સમક્ષ કોઈ દસ્તાવેજ રજૂ ન કરતા એલસીબીએ રૂા. ર.૯૯ લાખની ૧૧રપ બિયર અને દારૂની બોટલો, રૂા. ૧પ હજારના ત્રણ મોબાઈલ તથા રૂા. ૪ લાખની કાર મળી અંદાજે રૂા. ૭.૧૪ લાખનો મુદ્દામાલ કબજે લેવાયા બાદ એલસીબીએ મહેન્દ્ર ડાંગી, મયુર મીણા અને ઈશ્વરસિંહ ઝાલા મળી ત્રણેય વિરૂધ્ધ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઈ હતી.
જીજ્ઞેશ સોની હિંમતનગર




