હિંમતનગરમાં રખડતા આખલાનો આતંક: બે અલગ-અલગ જગ્યાએ આખલાની લડાઈમાં મહિલા અને પુરુષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોર અને ખાસ કરીને બેફામ આખલાઓનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. અગાઉ પણ આખલાઓની અડફેટે આવવાથી અનેક બનાવો બની ચૂક્યા છે, ત્યારે તાજેતરમાં ગોકુલ નગર ફાટક પાસે તથા બેરણા રોડ પર આવેલી નવદીપ સોસાયટી વિસ્તારમાં આખલાઓ બાખડતાં બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
આખલાની જોરદાર ટક્કરથી મહિલા રોડ પર પટકાઈ
મળતી માહિતી મુજબ, બેરણા રોડ પર સ્થિત નવદીપ સોસાયટી પાસે બે આખલાઓ અચાનક સામસામે લડી પડ્યા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા પ્રવિણાબેન નામના મહિલા આખલાઓની લડાઈની ઝપેટમાં આવી ગયા હતા. આખલાએ મારેલી જોરદાર ટક્કર અને ધક્કાના કારણે પ્રવિણાબેન રોડ પર નીચે પટકાતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
પુરુષને હાથે ફ્રેક્ચર અને અન્ય ભાગે ઈજા
બીજી બાજુ ગોકુલ નગર ફાટક પાસે પણ આખલાઓની લડાઈ દરમિયાન એક પુરુષ ઈજાગ્રસ્ત થયો હતો. આખલાની ઝપેટમાં આવી જતાં પુરુષના હાથમાં ફ્રેક્ચર થવા પામ્યું હતું તેમજ શારીરિક ઈજાઓ થઈ હતી. ઘટના બનતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.
સ્થાનિક રહીશોમાં નગરપાલિકા સામે ભારે રોષ
હિંમતનગર શહેરના મુખ્ય રોડ-રસ્તાઓ અને સોસાયટીઓમાં રખડતા આખલાઓ અંદરોઅંદર લડતા હોવાના દ્રશ્યો રોજિંદા બની ગયા છે. આ અગાઉ પણ અનેક નાગરિકો આખલાઓની અડફેટે આવી ચૂક્યા છે. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફાળ અને નગરપાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે રખડતા ઢોર અને આખલાઓને પાંજરે પુરવાની કામગીરી હાથ ધરવામાં આવે જેથી કોઈ મોટી જાનહાનિ ટાળી શકાય.





