વિજયનગરના તાલુકા વિકાસ અધિકારીની કાર્યવાહીથી રહીશો નારાજ
મામલતદાર સમક્ષ ટીડીઓના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે રજૂઆત કરાઈ

જીજ્ઞેશ સોની હિંમતનગર
વિજયનગર તાલુકા પંચાયતમાં છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારી તેમના સત્તાકાળ દરમ્યાન ખોટું રોજકામ કરીને સરકારી નાણાંનો વ્યય કરે છે. તથા રોજકામ દરમ્યાન ખોટી રીતે આરોપમાંથી કેટલાક લોકોને બચાવવા માટે છાવરી રહ્યા છે જેથી તાલુકા વિકાસ અધિકારી વિરૂધ્ધ સોમવારે આ વિસ્તારના રહીશોએ મામલદારને લેખિતમાં રજૂઆત કરીને ટીડીઓને બઢતી ન આપી સેવા નિવૃત કરવા માટે યોગ્ય કરવાની માંગ કરી છે.
આ અંગે વિજયનગર મામલતદારને સોમવારે અપાયેલા આવેદનપત્રમાં આક્ષેપ કરતાં કિરીટભાઈ ડામોર, મનજીભાઈ ગરાસીયા, અરવિંદભાઈ સહિત અન્ય રહીશોએ કરેલા ઓક્ષપ મુજબ વિજયનગર તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારી સાગર બોદર વિરૂધ્ધ અનેક નાણાંકીય ગોટાળા કરાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. તેઓ ખોટુ રોજકામ કરે છે દરેક ગ્રામપંચાયતમાં કામ પણ યોગ્ય રીતે કરતાં નથી. સાસણમાં ડબલ ડેકર ગરનાળું બન્યું છે. રસ્તા વચ્ચે થાંભલા ચણી દેવામાં આવ્યા છે.
ઉપરાંત અભાપુર ગ્રામપંચાયતના સરપંચને ત્રણ બાળકો હોવા છતાં તેમની વિરૂધ્ધ કરાયેલી રજૂઆતો બાદ તેમને તાલુકા વિકાસ અધિકારી છાવરી રહ્યા છે. ચિઠોડા પંચાયતની હદમાં આવેલ નદીના માટીકામ બાદ આગળની કાર્યવાહી થતી ન હોવાના આક્ષેપ સાથે ટીડીઓને બઢતી ન આપીને સરકાર દ્વારા તેમને તાત્કાલિક સેવા નિવૃત કરવાની માંગ કરાઈ છે.

