Uncategorizedગુજરાત

નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ રાજ્યની રક્ષા શક્તિને વધુ પ્રબળ બનાવતા વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાવ્યું

ગુજરાત રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવાના સંકલ્પ સાથે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે અમદાવાદમાં વિવિધ પોલીસ પ્રકલ્પોના ઈ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં અંદાજે ૨૦૨.૮૫ કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનારા વિવિધ મહત્વના પ્રકલ્પોનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના છારોડી ખાતે ૪૭.૯૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક ATS બિલ્ડિંગ, બોડકદેવ ખાતે ૩૩.૪૯ કરોડના ખર્ચે બનનાર અર્બન પોલીસ સ્ટેશન, અમરાઈવાડી પોલીસ લાઈન ખાતે ૭૪.૬૨ કરોડના ખર્ચે પોલીસ આવાસ અને PSI ક્વાર્ટર્સ, કાગડાપીઠ ખાતે ૩૯.૬૮ કરોડના ખર્ચે પોલીસ આવાસ તેમજ સૈજપુર બોઘા ખાતે ૫.૭૪ કરોડના ખર્ચે ડૉગ કેનાલ તથા ટ્રેનિંગ ઓફિસ અને ૧.૩૪ કરોડના ખર્ચે SRP ગ્રુપ-૨ ના બંગલાના કામોનો સમાવેશ થાય છે. આ તમામ પ્રકલ્પો સુવિધા સભર હશે જે પોલીસ પરિવારના જીવનધોરણમાં સુધારો લાવશે અને તેમની કાર્યક્ષમતામાં વધારો કરશે.અમદાવાદ પોલીસ અને એટીએસ માટે સોનેરી દિવસ છે, કારણ કે એક જ દિવસમાં ૨૦૨.૮૫ કરોડ રૂપિયાના ખર્ચે સુરક્ષા અને આવાસના પ્રકલ્પો સાકાર થવા જઈ રહ્યા છે. ગુજરાત એટીએસ આજે સાડા છ કરોડ ગુજરાતીઓના અતૂટ વિશ્વાસનું કેન્દ્ર છે. એટીએસ માત્ર આતંકી હુમલા સમયે જાગતી ફોર્સ નથી, પરંતુ ૩૬૫ દિવસ ૨૪ કલાક રાજ્યનો પ્રત્યેક નાગરિક સુરક્ષિત રહે અને દુશ્મનો આંખ પણ ન ઉઠાવી શકે તે માટે નિરંતર કામ કરતી એક ‘સાયલન્ટ ફોર્સ’ છે.તેમણે એટીએસની કામગીરીના વિવિધ પાસાઓ પર ભાર મૂકતા જણાવ્યું કે, આપણી એટીએસ ટીમે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં દેશમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. માત્ર ગુજરાત જ નહીં, પણ અન્ય રાજ્યોમાં થયેલા હુમલાઓના આરોપીઓને પકડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. ઓનલાઇન માધ્યમોથી યુવાનોને કટ્ટરપંથી બનાવતા ‘ટેરર મોડ્યુલ્સ’નો પર્દાફાશ કરવામાં એટીએસને મળેલી સફળતા રાજ્યના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે અનિવાર્ય છે. પંજાબની જેલમાંથી ચાલતા નેટવર્કને તોડવું હોય કે બંગાળ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવા ૧૪થી વધુ રાજ્યોમાં ડ્રગ્સની ફેક્ટરીઓ પર દરોડા પાડવાના હોય, એટીએસના જવાનોએ મહિનાઓ સુધી ઘર-પરિવારનો ત્યાગ કરીને આ ઓપરેશન્સ સફળ બનાવ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.દરિયાઈ સુરક્ષા અંગે વાત કરતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ૧૬૦૦ કિમીની દરિયાઈ સીમા પર તેજ લહેરો વચ્ચે પાકિસ્તાની ઘૂસણખોરો અને ડ્રગ્સ માફિયાઓની રાહ જોઈને બેસવું એ કોઈ નાની વાત નથી. ૭૫થી વધુ પાકિસ્તાનીઓને સીમા પર જ દબોચી લેવાનું કામ આપણા જવાનોએ કર્યું છે. રાજ્ય સરકાર એટીએસને માત્ર ટેકનિકલ રીતે જ નહીં પણ બજેટરી સહાયથી પણ વધુ સ્ટ્રોંગ બનાવવા કટિબદ્ધ છે. નવું નિર્માણ પામનાર ભવન માત્ર એક ઈમારત નથી, પણ તે વિશ્વસ્તરીય ટેકનિકલ સુવિધાઓથી સજ્જ એક એવું કેન્દ્ર બનશે, જે ગુજરાતની સુરક્ષાને આગામી અનેક વર્ષો સુધી અભેદ્ય રાખશે. દેશ વિરુદ્ધ ષડયંત્ર રચનારાઓને જડબાતોડ જવાબ આપવા માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે.મજબૂત ગુજરાત માટે મજબૂત પોલીસ અને મજબૂત ATS અનિવાર્ય છે. આજે ગુજરાતમાં જે શાંતિનો માહોલ છે અને નવી પેઢીએ ‘કર્ફ્યુ’ શબ્દ સાંભળ્યો નથી, તેનો સંપૂર્ણ શ્રેય ગુજરાત પોલીસ અને ATSની કાર્યક્ષમતાને જાય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ સાથે આગળ વધી રહી છે. રાજ્યમાં ગુંડાતત્વ, આતંકવાદ અને નાર્કોટિક્સને કોઈ સ્થાન નથી. ગુજરાતને સુરક્ષિત રાખવા માટે ૧૬૦૦ કિમી લાંબા દરિયાકિનારાની સુરક્ષા હોય કે આંતરિક સુરક્ષા, આપણું ATS દળ નિષ્ઠા અને શૌર્ય સાથે કાર્ય કરી રહ્યું છે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પોલીસ પરિવારની સુખાકારી માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં પોલીસ આવાસ નિગમ દ્વારા મકાનોની ઘટ પૂર્ણ કરવાના ધ્યેય સાથે ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે, જેથી પોલીસ જવાનો તણાવમુક્ત થઈ પોતાની ફરજ બજાવી શકે. અદ્યતન ટેકનોલોજી અને આધુનિક સંસાધનો સાથે ગુજરાત પોલીસ રાષ્ટ્રની સુરક્ષામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!