ગાંધીનગર સેક્ટર-27 ખાતે હર્ષોલ્લાસ સાથે ‘હોલિકા દહન’ પર્વની ઉજવણી

શીતલ ઠાકર,ગાંધીનગર
આજે ગાંધીનગરના સેક્ટર-27 ખાતે અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમાન ‘હોલિકા દહન’ના પર્વની પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર પ્રસંગે સેક્ટરના રહીશો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે શ્રદ્ધાપૂર્વક હોલિકા પૂજન કર્યું હતું.
ભક્ત પ્રહલાદની અતૂટ શ્રદ્ધા અને અસત્યના વિનાશની સ્મૃતિમાં ઉજવાયેલા આ પર્વમાં રહીશોએ હોળીની પ્રદક્ષિણા કરી, શ્રીફળ અને ધાણી-મમરાની આહુતિ આપીને પરિવારની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. સેક્ટર-27 ના નાના-મોટા તમામ રહીશોએ સાથે મળીને આ પર્વ મનાવ્યું હતું, જે સમાજમાં ભાઈચારો અને એકતાનો સુંદર સંદેશ આપે છે.
પર્યાવરણની જાળવણીના ભાગરૂપે આ વર્ષે સેક્ટર-27 માં મર્યાદિત લાકડા અને ગાયના છાણના ગૌ-કાષ્ટનો મહત્તમ ઉપયોગ કરી ‘ઇકો-ફ્રેન્ડલી’ હોળી પ્રગટાવવામાં આવી હતી. આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે, હોલિકા દહનનો આ પવિત્ર અગ્નિ આપણા જીવનમાંથી તમામ નકારાત્મકતાને દૂર કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી અમે મંગલ કામના કરીએ છીએ.





