દીપ પ્રાગટ્ય વિધિ દરમિયાન લપસી પડેલા યુવાનને જોઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરત જ મદદે દોડી આવ્યા, માનવીય સંવેદનાનું જીવંત ઉદાહરણ

શીતલ ઠાકર,ગાંધીનગર
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ફરી એકવાર પોતાની સાદગી અને માનવીય સંવેદનશીલતા દર્શાવી છે. અમદાવાદમાં આયોજિત તપોવન વિદ્યાવિહારના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન બનેલી નાની દુર્ઘટનામાં મુખ્યમંત્રીએ તાત્કાલિક માનવતા દાખવી યુવાનની મદદે દોડી ગયા હતા.
કાર્યક્રમ દરમિયાન દીપ પ્રાગટ્ય વિધિ ચાલી રહી હતી ત્યારે મંચ નજીક ઉભેલો એક યુવાન અચાનક લપસી પડ્યો હતો. ઘટનાને જોતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કોઈ પ્રોટોકોલ કે સુરક્ષાની પરવા કર્યા વગર તરત જ તેની પાસે પહોંચી ગયા હતા.
મુખ્યમંત્રીએ યુવાનને ઊભો કરવામાં મદદ કરી તેની ખબર-અંતર પૂછ્યા અને તેને કોઈ ઈજા તો નથી ને તેની પૃચ્છા કરી હતી. મુખ્યમંત્રીની આ માનવીય સંવેદના જોઈ કાર્યક્રમમાં હાજર લોકો પણ ભાવવિભોર થઈ ગયા હતા.
મુખ્યમંત્રીની આ વિનમ્રતા અને સાદગી સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની છે. સામાન્ય નાગરિક પ્રત્યેની આ આત્મીયતા જોઈ લોકો કહી રહ્યા છે કે “પદ મોટું હોવા છતાં હૃદય એથીય મોટું” એવી વાત મુખ્યમંત્રીએ ફરી એકવાર સાબિત કરી છે.




