શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે હિંમતનગર ભક્તિમય, ‘જય શ્રી રામ’ના ગુંજતા નાદ વચ્ચે ભવ્ય શોભાયાત્રા

શીતલ ઠાકર,ગાંધીનગર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં રામનવમીના પાવન પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેરના છાપરીયા વિસ્તારમાં આવેલા રામજી મંદિરથી ભવ્ય અને આકર્ષક શોભાયાત્રા ઉત્સાહ અને ભક્તિભાવ સાથે પ્રસ્થાન પામી હતી.


આ શોભાયાત્રા છાપરીયા વિસ્તારથી શરૂ થઈ મહેતાપુરા રામજી મંદિરે પહોંચી હતી. યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને સમગ્ર શહેર ‘જય શ્રી રામ’ના ગુંજતા નાદોથી ભક્તિમય બની ગયું હતું. યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી, જ્યાં અનેક સ્થળોએ સ્થાનિકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગાવાહિની, બજરંગ દળ તેમજ માતૃશક્તિના આગેવાનો ઉત્સાહભેર જોડાયા હતા. ખાસ કરીને દુર્ગાવાહિનીની બહેનો દ્વારા તલવારબાજી તેમજ લાઠીદાવના કરતબો રજૂ કરવામાં આવ્યા હતા, જે ‘જય શ્રી રામ’ના નાદ સાથે સમગ્ર વાતાવરણને ગુંજાવી ઉઠાવ્યું હતું અને લોકઆકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.


શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રૂટ પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શોભાયાત્રા પર નજર રાખવા માટે ડ્રોન કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવ્યું હતું તેમજ પોલીસ કાફલો પણ તૈનાત રાખવામાં આવ્યો હતો.

ટાવર ચોક ખાતે સામાજિક આગેવાનો દ્વારા છાશ અને ઠંડા પાણીની વ્યવસ્થા સાથે સેવા આપવામાં આવી હતી, જેમાં ભક્તોને તાજગી મળે અને યાત્રા વધુ સુખદ બને તે માટે સક્રિય સહભાગિતા દર્શાવવામાં આવી હતી.




