ખેડબ્રહ્મા અંબાજી મંદિરે ચૈત્રી પૂર્ણિમાએ ભક્તોની વિશાળ જનમેરામણ, ભક્તિમય માહોલ છવાયો

શીતલ ઠાકર,ગાંધીનગર
ચૈત્રી પૂર્ણિમાના પાવન અવસરે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા સ્થિત અંબાજી મંદિરે ભક્તોની વિશાળ જનમેરામણ જોવા મળી હતી. વહેલી સવારથી જ ભક્તો માતાજીના દર્શન માટે મંદિરે ઉમટી પડ્યા હતા, જેના કારણે મંદિર પરિસરમાં લાંબી કતારો સર્જાઈ હતી. માતાજીના દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને દર્શન બાદ ભક્તોએ આધ્યાત્મિક શાંતિ અને ધન્યતાનો અનુભવ કર્યો હતો.

મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની સુવિધા અને સુરક્ષા માટે સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો તેમજ સી.સી.ટી.વી. કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી હતી. ભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટે માર્ગ વ્યવસ્થા, પીવાનું પાણી અને અન્ય આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
ભક્તો માટે ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ રીતે ચૈત્રી પૂર્ણિમાના આ પવિત્ર દિવસે અંબાજી મંદિરે ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ સર્જાયો હતો.




