હિંમતનગરની ખાનગી સ્કૂલમાં યુકેના ડાન્સર કિરણ લાઈએ વિદ્યાર્થીઓને શીખવ્યા નવા સ્ટેપ્સ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત ખાનગી સ્કૂલમાં આજે યુકેના પ્રખ્યાત ડાન્સર કિરણ લાઈ એક દિવસના ખાસ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને ડાન્સના અવનવા સ્ટેપ્સ શીખવ્યા હતા તેમજ ડાન્સ દ્વારા માનસિક, શારીરિક અને બૌદ્ધિક વિકાસ શક્ય હોવાનું જણાવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન કિરણ લાઈએ જણાવ્યું હતું કે આજના સમયમાં બાળકો મોબાઇલ, ટીવી અને અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે, ત્યારે ડાન્સ એક સરળ, અસરકારક અને બિનખર્ચાળ વિકલ્પ છે, જેનાથી સાચો આનંદ મળી શકે છે. ડાન્સ માનસિક તણાવ દૂર કરવા, શારીરિક શક્તિ વધારવા અને માનસિક સ્વાસ્થ્ય સુધારવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.
આ પ્રસંગે સ્કૂલ સંચાલક અવિનાશ ઓઝાએ જણાવ્યું હતું કે બાળકોના સર્વાંગી વિકાસ માટે અભ્યાસની સાથે ડાન્સ જેવી પ્રવૃત્તિઓ પણ અત્યંત જરૂરી છે. ડાન્સથી બાળકોમાં આત્મવિશ્વાસ, ઊર્જા અને સકારાત્મકતા વધે છે.


કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાથે જ ભારતીય સંસ્કૃતિમાં ગરબા સહિત વિવિધ નૃત્યોનું મહત્વ પણ ઉજાગર કરવામાં આવ્યું હતું.




