Uncategorizedહિમતનગર

વ્યાજખોરોના ત્રાસે પિતાએ ટૂંકાવ્યું જીવન ત્રણ દીકરી અને એક દીકરો બન્યા પિતાવિહોણા

સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસથી લોકો કંટાળી જિંદગી ટૂંકાવવાના બનાવો સતત સામે આવી રહ્યા છે ત્યારે હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખેડ મોતીપુરા ગામના યુવકે વ્યાજખોરોના માનસિક અને શારિરીક ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આત્મહત્યાનું પગલું ભરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ ખેડ મોતીપુરા ગામના મહેન્દ્રસિંહ ચૌહાણે થોડા સમય અગાઉ રૂપિયા ૫૦ હજારની જરૂરિયાત ઉભી થતાં બલવંતસિંહ, રવિ અને અન્ય ફાઈનાન્સરો પાસેથી દર અઠવાડિયે ૧૦ ટકાના વ્યાજે રકમ લીધી હતી. પરિવારજનોના આક્ષેપ મુજબ મહેન્દ્રસિંહે લીધેલી રકમ વ્યાજ સહિત પરત ચુકવી દીધી હોવા છતાં પણ વ્યાજખોરો દ્વારા અવારનવાર શારિરીક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જેના કારણે તેઓ ભારે તણાવમાં રહેતા હતા.

પરિવારજનોના જણાવ્યા મુજબ શનિવારે મહેન્દ્રસિંહ ચૌહાણ જંગલ વિસ્તારમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે વ્યાજખોરોના ત્રાસ અંગેની વિગતો લખેલી સુસાઈડ નોટ તૈયાર કરી હતી. ત્યારબાદ તેમણે ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવાની અસર થતાં તેમની તબીયત લથડતા તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

મૃતકને ત્રણ દીકરી અને એક દીકરો હોવાનું જાણવા મળી રહ્યું છે. પરિવારના મોભીના મોતથી પત્નિ સહિત બાળકો પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર ખેડ મોતીપુરા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

ઘટના બાદ હવે પ્રશ્ન એ ઉભો થયો છે કે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની વાતો કરતું પોલીસ તંત્ર આ મામલે કેટલી અસરકારક કાર્યવાહી કરે છે. જો માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરવામાં આવશે તો ભવિષ્યમાં પણ અનેક પરિવારો વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આત્મહત્યા જેવું પગલું ભરવા મજબૂર બને તો નવાઈ નહીં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!