ટોપ સ્ટોરીઝ

ભ્રષ્ટ કામગીરીથી પરબડા-ભોલેશ્વર રોડ બિસ્માર !

ખાડામાં ફેરવાયેલા માર્ગે તંત્ર સામે ઉઠ્યા જવાબદારીના સવાલ

હિંમતનગર શહેરના મહત્વના ગણાતા પરબડાથી ભોલેશ્વર માર્ગની હાલત અત્યંત દયનીય બની જતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ૧૦ મીટર પહોળો રોડ હોવા છતાં માર્ગ પર પડેલા મોટા ખાડાઓ, ઉખડેલો ડામર અને ધોવાઈ ગયેલી સપાટી તંત્રની નબળી કામગીરીની પોલ ખોલી રહી છે. રોજિંદા હજારો વાહનચાલકો માટે આ રોડ અકસ્માત ઝોન સમાન બની ગયો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

આ મુદ્દે હિંમતનગર નગરપાલિકાના વિપક્ષના પૂર્વ નેતા ઇમરાન બાદશાહએ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરીને જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. રજુઆતમાં જણાવાયું છે કે ગત ચોમાસા અગાઉ કરવામાં આવેલ સમારકામ માત્ર કાગળ ઉપરની કામગીરી સાબિત થયું હતું. રોડ પર ગુણવત્તાવિહોણા ડામરના થીગડા મારવામાં આવતા પ્રથમ વરસાદમાં જ સમગ્ર માર્ગ ફરી ખાડામાં ફેરવાઈ ગયો હતો.

સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડ પર મોટા ખાડાઓ પડતાં ટુ-વ્હીલર ચાલકો માટે જીવના જોખમે પસાર થવાની સ્થિતિ ઊભી થઈ છે. રાત્રિના સમયે અકસ્માતની શક્યતાઓ વધી ગઈ હોવા છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી.

વિપક્ષના પૂર્વ નેતાએ માંગ કરી છે કે માત્ર થીગડા મારવાની તાત્કાલિક કામગીરીને બદલે સમગ્ર રોડનું કાર્પેટ સીલકોટ સાથે પુનઃનિર્માણ કરવામાં આવે અથવા કાયમી ઉકેલરૂપે નવો સીસી રોડ બનાવવામાં આવે. સાથે જ અગાઉ થયેલી નબળી કામગીરીમાં કોની બેદરકારી રહી તે અંગે તપાસ કરીને જવાબદારી નક્કી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!