ટોપ સ્ટોરીઝ

મહારાષ્ટ્રમાં ઝેરી દારૂથી મોતનો સિલસિલો : બુટલેગરોને કોણ આપે છે રક્ષણ?

મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં પિમ્પરી-ચિંચવડના ફુગેવાડી, દાપોડી તેમજ પુણે શહેરના હડપસર, કાલેપડલ અને પાંઢરેમળા વિસ્તારમાં ઝેરી દેશી દારૂ પીવાથી અનેક લોકોના મોત થયા હોવાની ઘટનાએ સમગ્ર દેશને ઝંઝોળી નાખ્યો છે. પ્રાથમિક તપાસમાં હાથભઠ્ઠી દેશી દારૂમાં મેથેનોલ જેવા ઝેરી કેમિકલ ભેળવાયા હોવાની વિગતો સામે આવી રહી છે.

આ દુર્ઘટનામાં અત્યાર સુધી ૧૫ થી ૧૮ લોકોના મોત થયા હોવાનું મીડિયા અહેવાલોમાં સામે આવ્યું છે જ્યારે કેટલાક લોકો હજુ ગંભીર હાલતમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. ગરીબ અને મજૂરીકામ કરતા લોકો સસ્તા નશાની લાલચમાં આવા ઝેરી દારૂના શિકાર બની રહ્યા છે અને આખા પરિવાર બરબાદ થઈ રહ્યા છે.

આ માત્ર અકસ્માત નથી પરંતુ સિસ્ટમની ગંભીર બેદરકારી અને ગેરકાયદેસર દારૂના કાળા કારોબાર સામે ઉઠતા પ્રશ્નોનું ભયાનક પરિણામ છે. વર્ષોથી ગેરકાયદેસર દેશી દારૂના અડ્ડાઓ ચાલતા હોવા છતાં જવાબદાર પોલીસ, એક્સાઈઝ વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા સમયસર અસરકારક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તે મોટો પ્રશ્ન છે. લોકોના મોત પછી માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી થાય છે પરંતુ ગેરકાયદેસર દારૂના નેટવર્કને કોનું રક્ષણ મળે છે તે અંગે લોકોમાં ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં દારૂ વેચાણને કાયદેસર મંજૂરી હોવા છતાં ઝેરી દેશી દારૂનું ગેરકાયદેસર ઉત્પાદન અને વેચાણ ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને ગેરકાયદેસર દેશી દારૂ અંગે સતત પ્રશ્નો ઉઠતા રહ્યા છે. અનેક સ્થળોએ કેમિકલયુક્ત દેશી દારૂ વેચાતો હોવાના આક્ષેપો અગાઉ પણ સામે આવી ચૂક્યા છે. જેના કારણે ગુજરાતમાં પણ ગેરકાયદેસર દારૂના જાળ અંગે ગંભીર ચિંતાઓ ઉભી થઈ રહી છે.

સિસ્ટમમાં રહેલી ખામીઓ, ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને મળતા આશ્રયના કારણે બુટલેગરોને હિંમત મળી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ગામડાઓ અને મજૂરવર્ગમાં સસ્તા નશાનું જાળ ઝડપથી ફેલાઈ રહ્યું છે પરંતુ આ વ્યસનને રોકવા માટે અસરકારક જનજાગૃતિ અને કડક કાર્યવાહી પૂરતી દેખાતી નથી. પરિણામે અનેક મહિલાઓ વિધવા બની રહી છે, બાળકો પિતાની છત્રછાયા ગુમાવી રહ્યા છે અને ગરીબ પરિવારો રસ્તા પર આવી રહ્યા છે.

દરેક આવી ઘટનાના અંતે તપાસ કમિટી બેસાડવામાં આવે છે, નિવેદનો લેવાય છે અને થોડા સમય બાદ મામલો શાંત પડી જાય છે. પરંતુ ગેરકાયદેસર દારૂના કારોબારમાં સંડોવાયેલા મુખ્ય તત્વો સુધી કડક કાર્યવાહી પહોંચે તે જરૂરી બની ગયું છે. હવે સમય આવી ગયો છે કે ઝેરી દારૂના કારોબારમાં સંડોવાયેલા લોકો તેમજ તેમને રક્ષણ આપતા તત્વોની પણ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.

લોકોએ પણ હવે જાગૃત થવાની જરૂર છે. સસ્તા નશાની લાલચ આખા પરિવારને વિનાશ તરફ ધકેલી રહી છે. સમાજ, તંત્ર અને સરકાર સૌએ મળીને આ ઝેરી દારૂના કાળા કારોબાર સામે કડક અને નિષ્ઠાપૂર્વક લડત આપવી સમયની માંગ બની ગઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!