સાબરકાંઠા

સાબરકાંઠાના તલોદમાં ભોલેનાથ ડેરી પર ફ્લાઈંગ સ્કોડના દરોડા

ખૂબ જ ગંદકી વચ્ચે બનેલા ૫૫૦ કિલો અખાદ્ય માવાનો સ્થળ પર જ નાશ કરાયો; ડેરીનું ફૂડ લાઇસન્સ સસ્પેન્ડ

ગુજરાત રાજ્યના નાગરિકોને શુદ્ધ અને સ્વાસ્થ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. પ્રજાના આરોગ્યના હિતમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યભરમાં સઘન ચેકિંગની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રોઝડ ગામમાં આવેલી ‘ભોલેનાથ ડેરી’ પર ફ્લાઈંગ સ્કોડ દ્વારા ઓચિંતી તપાસ કરીને મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ આ કાર્યવાહી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ગાંધીનગર ફ્લાઈંગ સ્કોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભોલેનાથ ડેરી પર અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ડેરીમાં મોટા પાયે ભેળસેળવાળો માવો બનાવવામાં આવતો હતો. આ ઉપરાંત, કોઈપણ પ્રકારના જરૂરી લાયસન્સ વગર જ સ્વીટ બરફીનું ગેરકાયદેસર ઉત્પાદન પણ થતું હતું.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, ફૂડ સેફ્ટી અધિકારીઓએ સ્થળ પરથી કાયદેસરની કાર્યવાહી કરીને ખુલ્લા માવા તથા બરફીના નમૂના લીધા છે, જેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ સાથે ડેરીમાંથી અંદાજે રૂ. ૫.૧૦ લાખની કિંમતનો ૨,૫૪૮ કિલોગ્રામ ભેળસેળયુક્ત માવાનો જથ્થો જપ્ત (સીઝ) કરવામાં આવ્યો છે.તેમણે ઉમેર્યું કે, તપાસ દરમિયાન ડેરીમાં અત્યંત ગંદકી જોવા મળી હતી. આવી ખરાબ પરિસ્થિતિમાં બનાવેલો અન્ય ૫૫૦ કિલોગ્રામ માવો લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાથી, તેનો સ્થળ પર જ તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો. નિયમોના ભંગ બદલ કડક પગલાં લેતા વિભાગ દ્વારા ભોલેનાથ ડેરીને ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ’ હેઠળ ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી છે. વધુમાં આ પેઢીનું ફૂડ લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયું છે. લેબોરેટરીમાંથી સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ આ ડેરી સામે આગળની કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

આરોગ્ય રાજ્ય મંત્રીશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, જે તત્વો માત્ર નફાની લાલચમાં પ્રજાના આરોગ્ય સાથે રમત રમે છે તેમને રાજ્ય સરકાર ક્યારેય માફ નહીં કરે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગામી સમયમાં પણ આવી ભેળસેળયુક્ત અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓ સામે કડક તપાસ અને દેખરેખની કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!