હિમતનગર

સાબરકાંઠામાં ૨ પીઆઈ અને ૮ પીએસઆઈની આંતરિક બદલી

પોલીસ વડાએ ચિઠોડા, વડાલી, ઈડર સહિતના વિસ્તારોમાં ફેરબદલ કર્યા

હિંમતનગર, પ્રતિનિધિ:

સાબરકાંઠા જિલ્લા પોલીસવડા રજા પરથી ફરજ પર પરત ફર્યા બાદ જિલ્લામાં પોલીસ તંત્રમાં મહત્વપૂર્ણ ફેરબદલો કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડાએ શુક્રવારે ૨ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને ૮ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ની આંતરિક બદલીના આદેશો જાહેર કરતાં પોલીસ વિભાગમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ કક્ષાએ પણ બદલીનો દોર શરૂ થવાની શક્યતા છે.

જાહેર થયેલા આદેશ મુજબ પીઆઈ એલ.જે. વાળાની લીવ રિઝર્વમાંથી સાયબર પોલીસ સ્ટેશનમાં નિમણૂક કરવામાં આવી છે, જ્યારે પીઆઈ આર.ડી. તરાલને લીવ રિઝર્વમાંથી હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે.

પીએસઆઈ કક્ષાના અધિકારીઓમાં પણ વ્યાપક ફેરફારો કરવામાં આવ્યા છે. ચિઠોડા પોલીસ સ્ટેશનમાં પીઆઈનો ચાર્જ પીએસઆઈને ઇન્ચાર્જ તરીકે સોંપવામાં આવ્યો છે. ઉપરાંત વડાલી, ઈડર, હિંમતનગર, ગાંભોઈ અને ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા અધિકારીઓની પણ તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.

બદલી યાદી મુજબ પીએસઆઈ બી.એસ. ચૌહાણને ગાંભોઈ પોલીસ સ્ટેશનથી હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે, જ્યારે આર.એમ. ડામોરને હિંમતનગર એ ડિવિઝનથી ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. ડી.એસ. રાઓલને જિલ્લા ટ્રાફિક શાખાથી ઈડર પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફમાં અને વી.આર. ચૌહાણને ઈડર પોલીસ સ્ટેશનથી વડાલી પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત એન.બી. વાઘેલાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી સિટી ટ્રાફિક શાખામાં, કે.એલ. જાડેજાને વડાલીથી હિંમતનગર એ ડિવિઝન ડી-સ્ટાફમાં, એ.પી. માળીને એ ડિવિઝનથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને આર.એલ. દેસાઈને હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનથી ચિઠોડા પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ પીઆઈ તરીકે મુકવામાં આવ્યા છે.

જિલ્લા પોલીસ તંત્રમાં કરવામાં આવેલા આ ફેરફારોના ભાગરૂપે હાઈવે ટ્રાફિકના પીએસઆઈ એ.વી. જોશીને જિલ્લા ટ્રાફિક શાખાનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે. આ બદલીઓથી વિવિધ પોલીસ સ્ટેશનોની કામગીરીમાં વધુ કાર્યક્ષમતા અને સુવ્યવસ્થિત સંચાલન લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!