અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો: ગેરકાયદેસર અટકાયત બદલ રોજ ₹25,000 વળતર, દોષિત અધિકારીઓના પગારમાંથી થશે વસૂલાત

અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો: ગેરકાયદેસર અટકાયત બદલ રોજ ₹25,000 વળતર, દોષિત અધિકારીઓના પગારમાંથી થશે વસૂલાત
નાગરિકોની વ્યક્તિગત સ્વતંત્રતા અને બંધારણીય અધિકારોના રક્ષણ માટે અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે શાંતિભંગની આશંકા હેઠળ BNSS અથવા અગાઉની CrPCની જોગવાઈઓનો દુરુપયોગ કરીને કોઈપણ વ્યક્તિને 24 કલાકથી વધુ સમય સુધી ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવશે તો તેને પ્રતિદિન ₹25,000 લેખે વળતર ચૂકવવું પડશે.
કોર્ટના આદેશ મુજબ આ વળતરની રકમ સરકારી ખજાનામાંથી નહીં પરંતુ જવાબદાર પોલીસ અધિકારી અથવા મેજિસ્ટ્રેટના પગારમાંથી વસૂલ કરવામાં આવશે. ન્યાયમૂર્તિ સિદ્ધાર્થ અને ન્યાયમૂર્તિ વિનય કુમાર દ્વિવેદીની ડિવિઝન બેન્ચે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સત્તાના દુરુપયોગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં આ કડક માર્ગદર્શિકા જાહેર કરી છે.
દિવ્યાંગ વકીલની ગેરકાયદેસર અટકાયતનો કેસ
મામલો ગાઝિયાબાદના દિવ્યાંગ વકીલ ચંદ્રપાલ સિંહ સાથે સંબંધિત છે. પાડોશી સાથેના નાનકડા વિવાદને આધારે પોલીસે 22 ફેબ્રુઆરી, 2026ના રોજ તેમની અટકાયત કરી હતી. કાયદા મુજબ 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની ફરજ હોવા છતાં તેમને સમયસર રજૂ કરવામાં આવ્યા નહોતા અને BNSSની જોગવાઈઓ હેઠળ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
વકીલ અને તેમના ભત્રીજાએ શાંતિ જાળવવા માટે જરૂરી બોન્ડ ભર્યા હોવા છતાં તેમને મુક્ત કરવામાં આવ્યા નહોતા. અંતે હેબિયસ કોર્પસ અરજી બાદ હાઈકોર્ટના હસ્તક્ષેપથી બંનેને મુક્ત કરવામાં આવ્યા હતા. કોર્ટે વકીલની ગેરકાયદેસર અટકાયત બદલ ₹75,000 વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે અને આ રકમ જવાબદાર અધિકારીઓ પાસેથી વસૂલવાનો નિર્દેશ આપ્યો છે.
હાઈકોર્ટની 7 મહત્વપૂર્ણ માર્ગદર્શિકા
- નિવારક અટકાયત હેઠળની વ્યક્તિ માટે માત્ર પર્સનલ બોન્ડ પૂરતો રહેશે.
- બોન્ડની રકમ ₹20,000થી વધુ ન રાખવી.
- કોઈ જામીનદારની ફરજ નહીં રહે.
- બોન્ડ ભરતા જ અટકાયતીને તાત્કાલિક મુક્ત કરવો.
- બોન્ડ ભરવાનો ઇનકાર થાય તો તેનું લેખિત અને વીડિયો રેકોર્ડિંગ કરવું ફરજિયાત રહેશે.
- 24 કલાકથી વધુ ગેરકાયદેસર અટકાયત માટે પ્રતિદિન ₹25,000 વળતર ચૂકવવું પડશે.
- જવાબદાર અધિકારીઓ સામે શિસ્તભંગ અને ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નાગરિક અધિકારોના રક્ષણ તરફ મહત્વનું પગલું
કાનૂની નિષ્ણાતોના મત મુજબ આ નિર્ણયથી પોલીસ અને વહીવટી તંત્રની મનમાની પર અંકુશ આવશે તેમજ કાયદાના પાલન માટે વધુ જવાબદારી નક્કી થશે. માનવ અધિકાર કાર્યકરોએ પણ આ નિર્ણયને આવકારતાં જણાવ્યું છે કે આવા ચૂકાદાઓથી સામાન્ય નાગરિકોના મૂળભૂત અધિકારોને વધુ સુરક્ષા મળશે અને ન્યાયતંત્ર પ્રત્યેનો વિશ્વાસ મજબૂત બનશે.
ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ આવા માર્ગદર્શક નિર્ણયોનો અમલ થાય તેવી માંગ ઉઠી રહી છે. સામાજિક કાર્યકરોનું માનવું છે કે જવાબદાર અધિકારીઓ પર સીધી આર્થિક જવાબદારી નક્કી કરવાથી સત્તાના દુરુપયોગમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.
તંત્રી : બાદશાહ પઠાણ | મો. 9898693985
સાબર રીપોર્ટર ન્યુઝપેપર




