હિમતનગર

હિંમતનગર સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : ત્રણ વર્ષ જૂના હત્યા કેસમાં બે આરોપીઓને ફાંસીની સજા

હિંમતનગર : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સેશન્સ કોર્ટે ત્રણ વર્ષ જૂના હત્યા કેસમાં મહત્વપૂર્ણ અને કડક ચુકાદો આપતાં બે આરોપીઓને ફાંસીની સજા તથા એક આરોપીને સાત વર્ષની કેદની સજા ફટકારી છે. માર્ચ-૨૦૨૩માં બનેલી આ નિર્મમ હત્યાની ઘટનાએ સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચાવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, હેર કટિંગનો વ્યવસાય કરતા અકબર સાનીએ પોતાની દુકાનમાં કામ કરતા કેટલાક કારીગરોને અંદાજે દોઢ લાખ રૂપિયાનો માલ વેચ્યો હતો. આ રકમની ઉઘરાણી બાબતે વારંવાર સંપર્ક કરવામાં આવતાં આરોપીઓએ પૈસા ચૂકવવાના બહાને અકબરને બોલાવ્યો હતો. અકબર પોતાના મિત્ર તારિક મસરત સાથે ત્યાં પહોંચ્યો હતો. જ્યાં પૂર્વનિયોજિત કાવતરાના ભાગરૂપે આરોપીઓએ અકબરને દુકાનમાં લઈ જઈ તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી.

હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ ગુનાના પુરાવા નષ્ટ કરવા માટે મૃતદેહને કડોલી ગામની સીમ વિસ્તારમાં ફેંકી દીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે વૈજ્ઞાનિક તપાસ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ટેકનિકલ પુરાવા અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી તેમની ધરપકડ કરી હતી.

પોલીસ દ્વારા હાથ ધરાયેલી સઘન તપાસ બાદ સમગ્ર કેસની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. હિંમતનગર સેશન્સ કોર્ટમાં ચાલેલી લાંબી સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલા મજબૂત પુરાવા, સાક્ષીઓના નિવેદનો અને દલીલોને આધારે કોર્ટે બે મુખ્ય આરોપીઓને ફાંસીની સજા સંભળાવી છે. જ્યારે હત્યા બાદ પુરાવા નષ્ટ કરવામાં સહભાગી રહેલા ત્રીજા આરોપીને સાત વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.

કોર્ટના આ ચુકાદાને જિલ્લામાં કાયદા અને ન્યાયતંત્રની દૃષ્ટિએ ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે. ગંભીર અને જઘન્ય ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી થવાની સ્પષ્ટ ચેતવણીરૂપ આ નિર્ણયની કાનૂની વર્તુળો તેમજ સામાન્ય નાગરિકોમાં વ્યાપક ચર્ચા ચાલી રહી છે.

આ ચુકાદાથી મૃતકના પરિવારજનોને ન્યાય મળ્યાની લાગણી વ્યક્ત થઈ છે, જ્યારે કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ માટે કડક સંદેશ પણ પહોંચ્યો છે કે ગંભીર ગુનાઓમાં કાયદો કોઈને બક્ષશે નહીં.

સાબર રીપોર્ટર સમાચાર
કોઈપણ કિંમત પર સમાચાર
તંત્રી : બાદશાહ પઠાણ | મો. 9898693985

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!