હિંમતનગરમાં આર્મ્સ અને ગેંગસ્ટર એક્ટના ગુનામાં સંડોવાયેલા બે ઝડપાયા
ત્રણ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, સુરતથી ઉત્તરાખંડ સુધી ફેલાયેલી ગેંગનો પર્દાફાશ

સાબરકાંઠા એલસીબી પોલીસે હિંમતનગરમાં બનેલી ત્રણ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી આંતરરાજ્ય ચોરી ગેંગના બે શાતિર આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પકડાયેલા આરોપીઓ સામે આર્મ્સ એક્ટ અને ગેંગસ્ટર એક્ટ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આરોપીઓ ગુજરાત, ઉત્તરાખંડ, કેરળ અને છત્તીસગઢ સહિત વિવિધ રાજ્યોમાં ઘરફોડ ચોરી અને વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ સાબરકાંઠા એલસીબીના પીઆઈ ડી.સી. સાકરીયા, પીએસઆઈ આર.કે. જોષી અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે હિંમતનગર એ-ડિવિઝન વિસ્તારમાં 15 દિવસ અગાઉ બનેલી ઘરફોડ ચોરીના સીસીટીવી ફૂટેજમાં દેખાયેલા બે શખ્સો મહાવીરનગરથી કાંકણોલ રોડ તરફ બાઈક પર ફરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બંને શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી.
પકડાયેલા આરોપીઓની ઓળખ શહઝાદ ઉર્ફે હખલા ઈકલાખ અબ્દુલ રહેમાન જોર્જા (રહે. રામપુર ચુંગી, રૂરકી, હરિદ્વાર, ઉત્તરાખંડ) અને દાનીશ સલીમ યામીન ફકીર (રહે. જવઈપુરા, રૂરકી, હરિદ્વાર, ઉત્તરાખંડ) તરીકે થઈ હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન બંનેએ સુરતના આમરોલી વિસ્તારમાંથી બાઈક ચોરી કરી હોવાનું સ્વીકાર્યું હતું. ચોરાયેલી બાઈક મારફતે તેઓ હિંમતનગર પહોંચ્યા હતા અને વિવિધ રહેણાંક વિસ્તારોમાં રેકી કરી બંધ મકાનોને નિશાન બનાવી તાળા તોડી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી હતી.
પોલીસ તપાસ દરમિયાન બંને આરોપીઓએ હિંમતનગર એ-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં થયેલી ત્રણ અલગ-અલગ ઘરફોડ ચોરીના ગુનાઓની કબૂલાત કરી હતી. ઉપરાંત સુરતના આમરોલી વિસ્તાર તેમજ ઉત્તરાખંડમાં પણ અનેક ચોરીના બનાવોમાં સંડોવણી હોવાનું સ્વીકાર્યું હતું.
એલસીબી દ્વારા આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વધુ કાયદેસરની કાર્યવાહી માટે બંનેને હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ તપાસમાં વધુ એક મહત્વની માહિતી સામે આવી છે કે આ ગુનામાં સંડોવાયેલો કલ્લુ ઉર્ફે મુકરમ હાસીમ ફકીર (રહે. રામપુર, હરિદ્વાર) હાલ ફરાર છે. તેની ધરપકડ માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલા આરોપીઓ સામે ઉત્તરાખંડના રૂરકી વિસ્તારના બસંતવિહાર, કોતવાલી મેંગલોર, ગંગનહર અને પટેલનગર પોલીસ સ્ટેશનો ઉપરાંત રાજસ્થાનના અજમેર જિલ્લાના ક્રિશ્ચનગંજ પોલીસ સ્ટેશનમાં પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. વધુમાં કેરળ અને છત્તીસગઢ રાજ્યમાં પણ આ ગેંગ ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
આંતરરાજ્ય ચોરી ગેંગના સભ્યોની ધરપકડ થતાં સાબરકાંઠા પોલીસને મોટી સફળતા મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે હવે ગેંગના અન્ય સભ્યો તથા તેમની ગુનાહિત પ્રવૃત્તિઓના નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરી છે.




