“શ્રદ્ધા કે વિજ્ઞાન ?” દૂધ પીતો લાલો સોશિયલ મીડિયામાં વાયરલ, લોકોમાં કૌતુક
હિંમતનગર અને તલોદના રામપુર કંપામાં કૃષ્ણની મૂર્તિ દૂધ પીતી હોવાનો દાવો

હિંમતનગર અને તલોદના રામપુર કંપામાં કૃષ્ણની મૂર્તિ દૂધ પીતી હોવાનો દાવો
“શ્રદ્ધાને પુરાવાની જરૂર નથી” તેવી ઉક્તિ વચ્ચે શુક્રવાર અને શનિવારે સાબરકાંઠા જિલ્લામાં સોશિયલ મીડિયામાં એક વિડિયો ભારે વાયરલ થયો હતો. જેમાં હિંમતનગરની અત્રિ ગ્રીન ફ્લેટ તથા તલોદ તાલુકાના રામપુર કંપામાં ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ એટલે કે “લાલો” દૂધ પીતા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ ધાર્મિક ભાવના ધરાવતા લોકોમાં ભારે કૌતુક ફેલાવ્યું હતું.
માહિતી મુજબ, એક મહિલા દ્વારા ચમચી વડે લાલાને દૂધ પીવડાવવામાં આવતું હતું અને દૂધ ભરેલું પાત્ર ધીમે ધીમે ખાલી થતું જોવા મળતા આસપાસના લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. થોડા જ સમયમાં આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો હતો. ત્યારબાદ બંને સ્થળોએ મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો તથા શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા.
ઘટનાને લઈને અનેક લોકો આને આસ્થા અને ચમત્કાર સાથે જોડીને જોઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડયાએ આ સમગ્ર ઘટનાને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ મૂર્તિ બનાવવામાં વપરાતી કેટલીક ધાતુ અથવા પદાર્થમાં પ્રવાહી શોષી લેવાની ક્ષમતા હોવાને કારણે દૂધ ગાયબ થતું હોય છે.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ દેશભરમાં આવી પ્રકારની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. તેમ છતાં આ વખતે હિંમતનગર અને તલોદના રામપુર કંપાના વિડિયો વાયરલ થતાં લોકોમાં ચર્ચા અને કૌતુકનો માહોલ સર્જાયો હતો. હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ ઘટનાને લોકો પોતાની શ્રદ્ધા અને માન્યતા મુજબ અલગ અલગ રીતે મૂલવી રહ્યા છે.




