તાપી જિલ્લામાં માનવતા જાગૃત ટ્રસ્ટ દ્વારા 2100 ફળાઉ વૃક્ષોના રોપાઓનું વૃક્ષારોપણ

તા. 15-06-2026 ના રોજ માનવતા જાગૃત ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું ભવિષ્ય નિર્માણના ઉદ્દેશ સાથે તાપી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 2100 ફળાઉ અને છાયાદાર વૃક્ષોના રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ વૃક્ષારોપણ અભિયાનમાં કેસર આંબો, દાડમ, લીમડો, જાંબુડો, એપલ બોર, આસોપાલવ અને આમલી જેવા વિવિધ પ્રકારના વૃક્ષોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણનું જતન કરવો, પ્રકૃતિનું સંવર્ધન કરવું તેમજ આવનારી પેઢીને સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ પ્રદાન કરવાનો છે.
માનવતા જાગૃત ટ્રસ્ટ છેલ્લા બે વર્ષથી સતત વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો યોજી રહી છે. વર્ષ 2025-26 દરમિયાન સંસ્થા દ્વારા 1001 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું, જેમાંથી આજે 900થી વધુ વૃક્ષો જીવંત અને વિકસિત છે, જે સંસ્થા માટે ગૌરવ અને સંતોષની બાબત બની છે.
આ પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ ભરતભાઈ લીમ્બાચીયાએ જણાવ્યું હતું કે આજના સમયમાં વધતા પ્રદૂષણ અને ઘટતા હરિયાળા વિસ્તારને ધ્યાનમાં રાખીને દરેક વ્યક્તિએ પોતાના ઘર, ખેતર, શાળા, સંસ્થા અથવા આસપાસના વિસ્તારમાં ઓછામાં ઓછું એક વૃક્ષ અવશ્ય વાવવું જોઈએ. તેમણે સમાજના તમામ લોકોને પર્યાવરણ બચાવવા અને વાવવામાં આવેલા વૃક્ષોનું જતન કરવાની અપીલ કરી હતી.
આ વૃક્ષારોપણ અભિયાન દ્વારા માનવતા જાગૃત ટ્રસ્ટે સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને હરિયાળા તાપી જિલ્લાના નિર્માણમાં યોગદાન આપવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે.





