હિમતનગર
દિવ, દમણ, દાદરા અને નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના પત્નીના નિધન નિમિત્તે શોકસભા યોજાઈ
બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ; પ્રદેશ ભાજપ અધ્યક્ષ, રાજ્ય સરકારના મંત્રીઓ અને રાજકીય આગેવાનો રહ્યા ઉપસ્થિત


દિવ, દમણ, દાદરા અને નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના પત્નીના અવસાન નિમિત્તે હિંમતનગર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોકસભામાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, સામાજિક અગ્રણી, શુભેચ્છકો અને વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત લોકો ઉપસ્થિત રહી સ્વર્ગસ્થ આત્માને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
શોકસભામાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ, પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, કેન્દ્રીય ભૂતપૂર્વ મંત્રી પરુષોત્તમ રૂપાલા સહિત ભાજપના અનેક આગેવાનો અને જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ પ્રફુલ પટેલ તથા તેમના પરિવારજનોને રૂબરૂ મળી શોક વ્યક્ત કર્યો અને આ દુઃખની ઘડીમાં સાંત્વના પાઠવી હતી.
બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના આધ્યાત્મિક વાતાવરણમાં યોજાયેલી આ શોકસભામાં ઉપસ્થિત સૌએ બે મિનિટનું મૌન પાળી સ્વર્ગસ્થ આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. પરિવારજનો અને શુભેચ્છકોએ પણ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
શોકસભા દરમિયાન સમગ્ર વાતાવરણ ગમગીન બન્યું હતું. વિવિધ રાજકીય, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રના આગેવાનોએ પ્રફુલ પટેલના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં ઈશ્વર દિવંગત આત્માને ચિરશાંતિ અર્પે અને પરિવારને આ અપૂર્ણીય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.