હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ પર બંધ મકાનમાં તસ્કરોનો તરખાટ

હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ પર આવેલી અયોધ્યાપુરી સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ લાખોની ચોરીને અંજામ આપતા વિસ્તારમાં ભય અને ચકચાર ફેલાઈ ગઈ છે.

ઘર માલિક બહારગામ ગયેલા હોવાનો લાભ લઈ તસ્કરોએ મકાનનો તાળો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ઘરમાં રાખેલી તિજોરી તોડી અંદાજે રૂ.૫૨ હજારની રોકડ રકમ તેમજ ચાર તોલા જેટલા સોનાના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

ઘરમાં અવરજવર ન દેખાતા પાડોશીને શંકા જતાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મકાનમાં ચોરી થયાનું સામે આવતા તાત્કાલિક ઘર માલિક તેમજ હિંમતનગર એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.
ચોરીની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થળનું નિરીક્ષણ કરી આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે તસ્કરો સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

રહેણાંક વિસ્તારમાં બનેલી આ ચોરીની ઘટનાએ સ્થાનિકોમાં અસુરક્ષાની લાગણી ફેલાવી દીધી છે. પોલીસે વહેલી તકે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.




