ટોપ સ્ટોરીઝ

પ્રકૃતિપ્રેમી સ્વ. વીર વિજયભાઈની સ્મૃતિમાં ‘મિયાવાકી પદ્ધતિ’થી 5,000 વૃક્ષોનું અનોખું વન તૈયાર

પ્રકૃતિ અને અબોલ પશુ-પક્ષીઓ પ્રત્યે અનન્ય પ્રેમ ધરાવતા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના પ્રથમ ગુજરાત કન્વીનર તથા જાણીતા પ્રકૃતિપ્રેમી સ્વ. વીર વિજયભાઈની સ્મૃતિમાં મહેસાણા જિલ્લામાં ‘મિયાવાકી પદ્ધતિ’થી આશરે 5,000 વૃક્ષો ધરાવતું અનોખું વન તૈયાર કરવામાં આવ્યું છે. ગ્રીન એમ્બેસેડર જીતુભાઈએ પીપળાના વૃક્ષનું રોપણ કરી સ્વ. વીર વિજયભાઈને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

સ્વ. વીર વિજયભાઈ પોતાના જીવનકાળ દરમિયાન પોતાની કમાણીનો 10 ટકા હિસ્સો પ્રકૃતિ સંરક્ષણ માટે ખર્ચતા હતા. તેમણે પશુઓ માટે લોખંડ અને સ્ટીલની અવેડીઓ બનાવી પાણીની સુવિધા ઉભી કરી હતી તેમજ ચંદન સહિત અનેક કિંમતી વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણ સંરક્ષણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.

વનને જાપાનની પ્રસિદ્ધ ‘મિયાવાકી પદ્ધતિ’ અને ભારતીય દેશી પદ્ધતિના સમન્વયથી વિકસાવવામાં આવ્યું છે. આ પદ્ધતિના કારણે ખૂબ ઓછા સમયમાં ગાઢ અને હરિયાળું જંગલ તૈયાર થયું છે.

વનમાં કુલ 5,000 વૃક્ષોમાંથી આશરે 1,000 ફળાઉ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ઉપરાંત, અહીં વસવાટ કરતા અંદાજે 150 જેટલા વાંદરાઓ માટે ખાસ જામ્બુ, સીતાફળ, શેતુર, આમળા, જામફળ, ચીકુ, આંબા, બદામ સહિત 18થી વધુ પ્રકારના ફળાઉ વૃક્ષો વાવવામાં આવ્યા છે, જેથી તેમને વર્ષભર કુદરતી ખોરાક મળી રહે.

આ પ્રસંગે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈએ જણાવ્યું હતું કે, “વનમાં રહેતા વાંદરાઓને માત્ર પશુ ન સમજી તેમને હનુમાનજીનું સ્વરૂપ માની પ્રેમ અને આદર આપવો જોઈએ. તેમને ક્યારેય માર મારવો કે ભગાડવા નહીં. જો આવા અબોલ જીવો આસપાસ આવે તો તેમને પ્રેમથી રોટલીનો ટુકડો અથવા મુઠ્ઠીભર મગફળી આપવી જોઈએ. આવા નાના પ્રયાસોથી પ્રકૃતિનું સંતુલન જળવાઈ રહે છે.”

તેમણે સૌને પ્રકૃતિનું જતન કરવા, વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અને અબોલ પશુ-પક્ષીઓ પ્રત્યે દયાભાવ રાખવાનો સંદેશ પણ આપ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!