લાઇફ સ્ટાઇલ

હિંમતનગરના કળારસિકો માટે પ્રબુદ્ધ સાહિત્યિક સંમેલન: મહાસિદ્ધિ ફ્રી લાઈબ્રેરી ખાતે ૬૦-મી પાક્ષિક “કળા-સત્સંગ” બેઠક સંપન્ન

હિંમતનગરના ‘કળા-સત્સંગ’માં ભૌતિક સુખ સામે આત્મિક અર્થની શોધ અને ગીતાજીના વૈશ્વિક દર્શન પર વૈચારિક મંથન

સાબરકાંઠાની ધરા પન્નાલાલ અને ભગવાનદાસ પટેલ જેવા સમર્થ સાહિત્યકારોની પુણ્યભૂમિ: શ્રી પુલક ત્રિવેદી
આભાસી દુનિયામાં મનુષ્ય ‘ચહેરા પર ચહેરો’ લગાવીને જીવી રહ્યો છે: શ્રી પુલક ત્રિવેદી

સાબરકાંઠા જિલ્લાના સાહિત્યિક અને સાંસ્કૃતિક ચેતનાના કેન્દ્ર સમાન ‘મહાસિદ્ધિ ફ્રી લાઇબ્રેરી હૉલ’, હિંમતનગર ખાતે આજે એક ભવ્ય અને પ્રબુદ્ધ સાહિત્યિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાની સુવર્ણ-જયંતિના ભવ્ય પડાવને પાર કર્યા બાદ, નિયમિત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ભાગરૂપે આયોજિત ૬૦-મી પાક્ષિક “કળા-સત્સંગ” બેઠક સાહિત્ય, ચિંતન, સંગીત અને સેવાનો અદભુત ત્રિવેણી સંગમ બની રહી હતી.


આ ગરિમાપૂર્ણ બેઠકમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ગુજરાત સરકારના માહિતી ખાતાના પૂર્વ અધિક નિયામક, જાણીતા સાહિત્યકાર, કોલમિસ્ટ અને હળવા ચિંતક શ્રી પુલક ત્રિવેદી (ગાંધીનગર) અને આર્ટ્સ કોલેજ, રાજેન્દ્રનગરના ગુજરાતી વિભાગના અધ્યાપક, પ્રકૃતિવિદ્ અને પક્ષીપ્રેમી પ્રો. ડૉ. પ્રવીણ વાઘેલા (મોડાસા) હસ્તે ડૉ. ફૂલચંદ ગુપ્તા લિખિત નૂતન પુસ્તકનું “કુક્નુસ” નુ ગરિમાપૂર્ણ વિમોચન કરવામાં આવ્યું હતું.
પોતાના પ્રબુદ્ધ અને પ્રેરણાદાયી વક્તવ્યમાં માહિતી ખાતાના પૂર્વ અધિક નિયામક શ્રી પુલક ત્રિવેદીએ સાબરકાંઠાની ધરાને વંદન કરતા જણાવ્યું હતું કે, “આ ભૂમિ પન્નાલાલ પટેલ અને ભગવાનદાસ પટેલ જેવા સમર્થ સાહિત્ય શિખરોની પવિત્ર ભૂમિ છે.” વર્તમાન યુગના આભાસી (Virtual) જીવન પર ચિંતા વ્યક્ત કરતા તેમણે માર્મિક શબ્દોમાં ઉમેર્યું કે, આજે આધુનિક યુગમાં મનુષ્ય પોતાના સાચા અસ્તિત્વને છુપાવીને ‘ચહેરા પર ચહેરો’ લગાવીને જીવી રહ્યો છે.
તેમણે ઑસ્ટ્રિયાની રાજધાની વિયેનાના વિખ્યાત મનોચિકિત્સક અને તત્વચિંતક વિક્ટર ફ્રેન્કલ (Viktor Frankl) અને તેમના પુસ્તક ‘મેન્સ સર્ચ ફોર મીનિંગ’ (Man’s Search for Meaning) નો સચોટ ઉલ્લેખ કર્યો હતો. હિટલરના ત્રાસવાદી કોન્સન્ટ્રેશન કેમ્પમાં અમાનુષી અત્યાચારો વચ્ચે રહીને વિક્ટર ફ્રેન્કલે માત્ર ૯ દિવસમાં આ વૈચારિક પુસ્તક લખ્યું હતું. તેમણે દુનિયાને નવી વિચારધારા આપી કે માણસ માત્ર ભૌતિક સુખ, સવલતો કે પ્રતિષ્ઠા માટે નથી જીવતો, પરંતુ તે પોતાના જીવનના આંતરિક અર્થ અને ઉદ્દેશ્યને શોધવા માટે જીવે છે. સિગ્મંડ ફ્રોઈડના ભૌતિક સુખના સિદ્ધાંતો સામે વિક્ટર ફ્રેન્કલે આત્મિક અર્થને મહત્વ આપ્યું હતું. શ્રી ત્રિવેદીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું ઉદાહરણ આપતા કહ્યું કે, દક્ષિણ આફ્રિકામાં ટ્રેનમાંથી મારેલા એક ધક્કાએ સામાન્ય વકીલ મોહનદાસને ‘મહાત્મા’ બનાવ્યા હતા. તેમણે શ્રોતાઓને આહ્વાન કર્યું કે, જીવનમાં ઉંમર માત્ર એક નંબર છે, આપણા વિચારો અને સત્સંગ કાયમ જીવંત રહેવા જોઈએ અને આ વિચારો ઓછામાં ઓછી ૧૦ વ્યક્તિઓ સુધી પહોંચાડવા જોઈએ.
વધુમાં તેમણે ભગવદ્ ગીતાના પઠન અને ચિંતન પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, ભગવદ ગીતા એ એક વૈશ્વિક અને ‘યુનિવર્સલ’ પુસ્તક છે. મનુષ્ય તેને જેટલી વાર વાંચશે, તેટલી વાર તેને આંતરિક ઉંડાણમાંથી તદ્દન નૂતન પરિપ્રેક્ષ્ય, નવો ઉત્સાહ અને નવું માર્ગદર્શન પ્રાપ્ત થશે. ‘જીવાનંદ’ અને સ્વધર્મનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું કે, જ્યારે મનુષ્ય પોતાના આંતરિક આત્માના અવાજથી, હૃદયના ઉંડાણથી કોઈ કાર્ય કરે છે, ત્યારે જ તે પરમ આનંદને પામી શકે છે. જીદૂ કૃષ્ણમૂર્તિના દર્શનનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું કે, પુસ્તકો અને માનવ જીવનમાં વિષયોનું વૈવિધ્ય જ સૃષ્ટિની સાચી સુંદરતા અને તત્વ છે. “કામને ગમતું કરો, કાં તો ગમતાને કામ બનાવો” નો મંત્ર તેમણે આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પરમેશ્વર સંચાલિત ‘મહાસિદ્ધિ કલા-સત્સંગ ગ્રુપ’ દ્વારા સાહિત્ય, ગાયન અને વક્તૃત્વ કળાના વિકાસ માટે અનોખી પ્રવૃત્તિઓ વિજય રાવલ અને તેમના પત્નિ ઇલા રાવલ દ્રારા ચલાવવામાં આવે છે. આ મંચ પરથી નરસિંહ મહેતા, અખા, દયારામ, બાલાશંકર કંથારિયા અને કવિ ખબરદાર જેવા પ્રખર કવિઓના ભક્તિ કાવ્યો તેમજ શૈલેન્દ્ર, કવિ પ્રદીપ, સાહિર લુધિયાનવી અને ભરત વ્યાસ જેવા અમર ગીતકારોના ગીતો જૂની ફિલ્મોના ગાયકો મુકેશ, મોહમ્મદ રફી, કિશોર કુમાર, હેમંત કુમાર તેમજ લતા મંગેશકર અને આશા ભોંસલેના મધુર અવાજમાં સ્થાનીય કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે.
આ કાર્યક્ર્મમા જિલ્લાના અનેક સાહિત્યકારો અને પ્રબુધ્ધ નાગરીકો સહભાગી બની જીવનનો સાહિત્યનો આનંદ માણે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!