હિમતનગર

સાબરકાંઠા SOGને મોટી સફળતા: આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી બજાણીયા ગેંગના 5 આરોપી ઝડપાયા

7 ગુના ડિટેક્ટ અને 14 વધુ ગુનાઓની કબૂલાત

સાબરકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલી આંતરરાજ્ય બજાણીયા ગેંગનો પર્દાફાશ કરતાં પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી રોકડ સહિત કુલ રૂ. 60 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા 7 ઘરફોડ ચોરીના ગુનાઓ ડિટેક્ટ થયા છે, જ્યારે આરોપીઓએ અન્ય 14 ગુનાઓની કબૂલાત પણ આપી છે. ઉપરાંત રાજ્યના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નાસતા ફરતા પાંચ ગુનાઓના આરોપીઓને પણ પકડી પાડવામાં આવ્યા છે.

પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન અને સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલના માર્ગદર્શન હેઠળ SOGની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે હિંમતનગર વિદ્યાનગરી રોડ વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં ઉભેલા પાંચ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ ઘરફોડ ચોરીના અનેક ગુનાઓ કબૂલ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં જીતેશ બાબુભાઈ બજાણીયા (વડાલી), અનિલ ઉર્ફે અર્જુન લક્ષ્મણભાઈ બજાણીયા (હરસોલ), કુલદીપ મનુભાઈ બજાણીયા (રામનગર, વડાલી), આકાશ ઉર્ફે સુજલ અજયભાઈ નાયક (મહેમદાવાદ) તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરનો સમાવેશ થાય છે.પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 60 હજાર રોકડ તેમજ ઘરફોડમાં ઉપયોગમાં લેવાતી લોખંડની ટોમી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.તપાસમાં ઈડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, સતલાસણા, વિવેકાનંદ (અમદાવાદ રૂરલ), મોડાસા ટાઉન અને વડોદરા શહેર સહિતના કુલ 7 નોંધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે. આરોપીઓએ વડનગર, મહેમદાવાદ, કનીજ, ખેડબ્રહ્મા, ગાંભોઈ, વિસનગર, વડાલી, લિલોડા, ખેરાલુ સહિતના વિસ્તારોમાં દુકાનો અને મકાનોમાં ચોરી સહિતના વધુ 14 ગુનાઓની કબૂલાત આપી હોવાનું પોલીસે જણાવ્યું છે.

આ સમગ્ર કામગીરી SOG પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. વાળા, PSI કે.યુ. ચૌધરી, PSI પી.એમ. ઝાલા સહિત SOGની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!