જયા પાર્વતી વ્રતનો પ્રારંભ, હિંમતનગરના શિવ મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ

અષાઢ સુદ તેરસ અને સોમવારના પવિત્ર સંયોગે આજે જયાપાર્વતી વ્રતનો પ્રારંભ થયો હતો. પાંચ દિવસ સુધી ચાલતા આ પવિત્ર વ્રતમાં કુમારીકાઓ દ્વારા ભગવાન શિવ અને માતા પાર્વતીની શ્રદ્ધાભાવે આરાધના કરવામાં આવી હતી. હિંમતનગર શહેરના વિવિધ શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
અષાઢ સુદ તેરસના દિવસે શરૂ થતા જયાપાર્વતી વ્રતનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે. કુમારીકાઓ મનગમતા જીવનસાથીની પ્રાપ્તિ માટે તેમજ સૌભાગ્યવતી મહિલાઓ અખંડ સૌભાગ્ય અને પરિવારના સુખ-સમૃદ્ધિ માટે પાંચ દિવસ સુધી ભગવાન શિવ, માતા પાર્વતી અને શ્રી ગણેશજીની વિધિવત પૂજા-અર્ચના કરે છે.
હિંમતનગરના વિવિધ શિવ મંદિરોમાં ભગવાન શ્રી ગણેશજીની પૂજા બાદ ભગવાન શિવ અને માતા પાર્વતીની વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજાવિધિ સંપન્ન કરવામાં આવી હતી. શાસ્ત્રી મહારાજના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ ધાર્મિક વિધિમાં મોટી સંખ્યામાં કુમારીકાઓ અને મહિલા ભક્તોએ ભાગ લીધો હતો. ભક્તોએ પરિવારની સુખાકારી, અખંડ સૌભાગ્ય અને મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી. સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો હતો.




