ટોચના સમાચાર

RBI ની ₹10 અને ₹20 ની પોલિમર નોટો અને ભારતીય ચલણના નવા યુગના મંડાણ

માનવ સંસ્કૃતિના ઇતિહાસમાં ચલણ એ માત્ર વિનિમયનું માધ્યમ નથી, પરંતુ તે જે-તે રાષ્ટ્રની આર્થિક શક્તિ અને ટેકનોલોજીકલ પ્રગતિનું પ્રતીક છે. કોડીઓ અને સોના-ચાંદીના સિક્કાઓથી શરૂ થયેલી આ સફર આજે ડિજિટલ યુગમાં પહોંચી છે, પરંતુ ભૌતિક ચલણનું મહત્વ હજુ પણ અકબંધ છે. ભારતીય અર્થતંત્રના રક્ષક ગણાતી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ તાજેતરમાં એક યુગપરિવર્તક નિર્ણય લીધો છે: ₹10 અને ₹20 ના મૂલ્યની ‘પોલિમર’ એટલે કે પ્લાસ્ટિક નોટોના ફિલ્ડ ટ્રાયલની શરૂઆત. આ નિર્ણય માત્ર નોટોના મટીરીયલમાં ફેરફાર નથી, પરંતુ ભારતની નાણાકીય વ્યવસ્થાને વધુ સુરક્ષિત, ટકાઉ અને ખર્ચ-અસરકારક બનાવવાની દિશામાં એક વિરાટ ડગલું છે.

કાગળથી પોલિમર સુધીની ઉત્ક્રાંતિ

ભારતમાં અત્યાર સુધી ચલણી નોટોના ઉત્પાદન માટે 100% કોટન કોમ્બર (કપાસના રેસા) નો ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે, ઓછી કિંમતની નોટો, જેવી કે ₹10 અને ₹20, જનસામાન્યમાં ખૂબ જ ઝડપથી ફરે છે. શાકભાજી માર્કેટથી લઈને જાહેર પરિવહન સુધી, આ નોટો સતત હાથોહાથ બદલાતી રહે છે. પરિણામે, કાગળની નોટો ઝડપથી ફાટી જાય છે, મેલી થાય છે અથવા ભેજને કારણે ખરાબ થઈ જાય છે.આ સમસ્યાના ઉકેલ રૂપે, RBI અને તેની પેટાકંપની ‘ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઇવેટ લિમિટેડ’ (BRBNMPL) એ ‘ઓપેસિફાઈડ પોલિમર-સબસ્ટ્રેટ’ (Opacified Polymer-Substrate) ચલણ દાખલ કરવાની યોજના બનાવી છે. આ કોઈ સામાન્ય પ્લાસ્ટિક નથી, પરંતુ એક અત્યાધુનિક સિન્થેટિક ફિલ્મ છે, જે નાણાકીય વ્યવહારોની ગતિશીલતાને સહન કરવાની ક્ષમતા ધરાવે છે.

પોલિમર નોટોની સંરચના અને વિશેષતાઓ

પરંપરાગત ભારતીય નોટો લિન્ટર ફાઈબર્સમાંથી બને છે, જે છિદ્રાળુ (Porous) હોય છે. આથી તે પરસેવો, તેલ અને ગંદકીને શોષી લે છે. તેનાથી વિપરીત, પોલિમર નોટો નોન-પોરસ (બિન-છિદ્રાળુ) હોય છે. આ નોટો પર એક વિશિષ્ટ રક્ષણાત્મક પડ હોય છે જે તેને ધૂળ અને ભેજથી બચાવે છે.

▪️૧. લાંબુ આયુષ્ય: સંશોધનો દર્શાવે છે કે પોલિમર નોટો સામાન્ય કાગળની નોટો કરતા 2 થી 6 ગણી વધુ લાંબી ચાલે છે. ₹10 અને ₹20 જેવી વધુ વાપરતી નોટો માટે આ ગુણધર્મ આશીર્વાદ સમાન છે.

▪️૨. નકલી નોટો પર લગામ: પોલિમર નોટોમાં ‘ટ્રાન્સપરન્ટ વિન્ડો’ (પારદર્શક બારી) અને અત્યાધુનિક હોલોગ્રામ જેવા સુરક્ષા ફીચર્સ ઉમેરી શકાય છે, જેની નકલ કરવી અત્યંત કઠિન છે.

આર્થિક તર્ક: ખર્ચ અને કાર્યક્ષમતાનું વિશ્લેષણ

ઘણાને પ્રશ્ન થઈ શકે કે જો પોલિમર નોટો બનાવવાનો પ્રારંભિક ખર્ચ વધુ હોય, તો સરકાર આ જોખમ કેમ ઉઠાવી રહી છે? અહીં જ ‘લોન્ગ-ટર્મ ઈકોનોમિક્સ’ કામ કરે છે.જ્યારે કોઈ કાગળની નોટ છ મહિનામાં ફાટી જાય છે, ત્યારે RBI એ તેને બદલીને નવી નોટ છાપવી પડે છે. આ પ્રક્રિયામાં પ્રિન્ટિંગ, પરિવહન અને જૂની નોટોના નિકાલનો જંગી ખર્ચ થાય છે. પોલિમર નોટ જો પાંચ વર્ષ સુધી ટકી રહે, તો વારંવાર છાપવાનો ખર્ચ બચી જાય છે. RBI ના આંકડા મુજબ, ફિલ્ડ ટ્રાયલ માટે દરેક નોટના 1 અબજ નંગ તૈયાર કરવામાં આવશે. આ પ્રયોગ જો સફળ રહે, તો ભારતની સરકારી તિજોરી પર પડતો ચલણી મુદ્રણનો બોજ નોંધપાત્ર રીતે ઘટશે.

કાયદાકીય માળખું: RBI એક્ટ, 1934 ની ભૂમિકા

ભારતમાં ચલણ બહાર પાડવાની સત્તા કોઈ સામાન્ય વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ તે કાયદાકીય રીતે સુરક્ષિત છે. ‘રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ, 1934’ ની કલમ 22 હેઠળ, ભારતભરમાં ચલણી નોટો જારી કરવાનો એકમાત્ર કાયદેસરનો એકાધિકાર RBI પાસે છે.
હીં એક રસપ્રદ તફાવત સમજવા જેવો છે: ₹1 ની નોટ સીધી નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવે છે, જ્યારે ₹10 અને ₹20 સહિતની તમામ ઉચ્ચ મૂલ્યની નોટો RBIની સત્તા હેઠળ આવે છે. પોલિમર નોટોના આ પ્રયોગ માટે કેન્દ્ર સરકારની મંજૂરી આવશ્યક હતી, જે હવે મળી ચૂકી છે. આનો અર્થ એ છે કે આ નોટો માત્ર ‘પ્રાયોગિક’ નથી, પરંતુ તે કાયદેસરનું ટેન્ડર (Legal Tender) ગણાશે.

પર્યાવરણીય પ્રભાવ: ટકાઉ વિકાસ અને રિસાયક્લિંગ

આજના યુગમાં કોઈપણ સરકારી પગલાને પર્યાવરણની કસોટી પર પાર ઉતરવું પડે છે. પ્રથમ દૃષ્ટિએ ‘પ્લાસ્ટિક’ શબ્દ પર્યાવરણ વિરોધી લાગે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) ના અભ્યાસો કંઈક અલગ જ વાસ્તવિકતા દર્શાવે છે.કાગળની નોટો બનાવવા માટે પુષ્કળ પાણી અને રાસાયણિક પ્રક્રિયાની જરૂર પડે છે. તે જલ્દી બગડી જતી હોવાથી વારંવાર પરિવહન દ્વારા કાર્બન ઉત્સર્જન વધે છે. તેની સરખામણીમાં પોલિમર નોટો ગ્લોબલ વોર્મિંગની સંભાવનાને 32% જેટલી ઘટાડે છે. સૌથી મહત્વની વાત એ છે કે, જ્યારે આ નોટો નકામી થઈ જાય, ત્યારે તેને બાળવાને બદલે ઓગાળીને ‘પ્લાસ્ટિક પેલેટ્સ’માં રૂપાંતરિત કરી શકાય છે, જેનો ઉપયોગ ઘરવખરીની વસ્તુઓ કે રસ્તા બનાવવાના મટીરીયલમાં થઈ શકે છે. આમ, તે ‘સર્ક્યુલર ઈકોનોમી’નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

વૈશ્વિક પરિપ્રેક્ષ્ય: ભારત અને વિશ્વ

પોલિમર નોટો અપનાવવામાં ભારત એકમાત્ર દેશ નથી. ઓસ્ટ્રેલિયા આ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે, જેણે 1988 માં વિશ્વની પ્રથમ પોલિમર નોટ રજૂ કરી હતી. આજે વિશ્વના 60 થી વધુ દેશો આ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.

▪️ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ અને રોમાનિયા: આ દેશોએ તેમની આખી ચલણી શ્રેણીને પોલિમરમાં ફેરવી દીધી છે.

▪️યુનાઇટેડ કિંગડમ (UK): બ્રિટને પણ તાજેતરના વર્ષોમાં પાઉન્ડની નોટોને પોલિમરમાં રૂપાંતરિત કરી છે.

ભારત માટે આ પડકાર મોટો છે કારણ કે આપણી વસ્તી અને ચલણનો વ્યાપ આ દેશો કરતા અનેકગણો વધારે છે. ભારતની આબોહવા પણ વૈવિધ્યસભર છે – રાજસ્થાનની કાળઝાળ ગરમીથી લઈને ચેરાપુંજીનો ભેજ અને સિયાચીનની ઠંડી. આથી જ RBI એ સીધા અમલીકરણને બદલે ‘ફિલ્ડ ટ્રાયલ’નો માર્ગ પસંદ કર્યો છે, જેથી વિવિધ ભૌગોલિક પરિસ્થિતિઓમાં નોટની ટકાઉક્ષમતા ચકાસી શકાય.

સહ-ચલણનું મોડેલ

એક સામાન્ય ગેરસમજ એવી પ્રવર્તે છે કે શું આ નોટો જૂની કાગળની નોટોને બદલી નાખશે? સરકારે સ્પષ્ટતા કરી છે કે આ ‘ડેમોનેટાઈઝેશન’ નથી પણ ‘કો-સર્ક્યુલેશન’ છે. એટલે કે, તમારી પાસે રહેલી જૂની ₹10 અને ₹20 ની કાગળની નોટો માન્ય રહેશે અને તેની સાથે નવી પોલિમર નોટો પણ બજારમાં ફરતી થશે.આ વ્યૂહરચના પાછળનું કારણ જનતાનો વિશ્વાસ જાળવી રાખવાનો અને બેંકિંગ સિસ્ટમને ધીમે ધીમે અનુકૂળ કરવાનો છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં, જ્યાં લોકો નોટોને વાળીને કે અલગ રીતે રાખવા ટેવાયેલા હોય છે, ત્યાં આ પ્લાસ્ટિક જેવી નોટો પ્રત્યેનો સ્વીકાર કેવી રીતે થાય છે તે જોવું રસપ્રદ રહેશે.

સુરક્ષા અને નકલી ચલણ સામે જંગ

ભારત માટે નકલી નોટો એ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે. કાગળ પર પ્રિન્ટિંગની કેટલીક મર્યાદાઓ હોય છે, જ્યારે પોલિમર સબસ્ટ્રેટ ગ્રાફિક્સ અને સુરક્ષા વિશેષતાઓ માટે વધુ સ્પેસ આપે છે. પોલિમર નોટોમાં રહેલી ‘ક્લિયર વિન્ડો’ એવી ટેકનોલોજી છે જે સાદા સ્કેનર કે કલર ઝેરોક્ષ મશીન દ્વારા કોપી કરી શકાતી નથી. આ નોટોનો સ્પર્શ પણ સાધારણ કાગળથી અલગ હોવાથી સામાન્ય નાગરિક પણ અસલી અને નકલી વચ્ચેનો તફાવત સરળતાથી પારખી શકશે.

ભવિષ્યની દિશા

RBI દ્વારા ₹10 અને ₹20 ની પોલિમર નોટોનું પરીક્ષણ એ ભારતીય અર્થતંત્રના આધુનિકીકરણની દિશામાં એક પ્રગતિશીલ કદમ છે. આ માત્ર નોટની મજબૂતીનો પ્રશ્ન નથી, પરંતુ તે દેશના નાણાકીય વ્યવસ્થાપનની કાર્યક્ષમતા વધારવાનો પ્રયાસ છે. જો આ પ્રયોગ સફળ રહેશે, તો આવનારા સમયમાં આપણા ખિસ્સામાં રહેલું ચલણ વધુ સ્વચ્છ, સુરક્ષિત અને લાંબુ આયુષ્ય ભોગવતું જોવા મળશે.

જીગર ખુંટ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!