પ્રાંતિજ પોલીસે માવાની મુવાડીમાં દરોડો પાડી રૂ. ૧.૧૪ લાખનો દેશી દારૂ અને વોશનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત પ્રાંતિજ પોલીસે સફળ કામગીરી કરી છે. પોલીસે માવાની મુવાડી ગામમાં ખેતરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી રૂ. ૧,૧૪,૦૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે.
ખાનગી બાતમીના આધારે દરોડો
ગાંધીનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ, હિંમતનગર પોલીસ અધિક્ષક શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) તથા વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ. કે. પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી. આર. પઢેરીયા અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી.
દરમિયાન આર્મ્સ પોલીસ કોન્સ્ટેબલ સરદારસિંહ દીપસિંહ (બ.નં. ૨૯૦) તથા હર્ષપાલસિંહ દિલીપસિંહ (બ.નં. ૧૧૩૪) ને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે, માવાની મુવાડી ગામે આવેલ દશરથસિંહ રંગુસિંહ ઝાલા પોતાના કબજા હેઠળના ખેતરમાં ગેરકાયદેસર દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ ચલાવી રહ્યો છે.
રૂ. ૧.૧૪ લાખનો મુદ્દામાલ જપ્ત
બાતમી વાળી જગ્યા પર પોલીસે રેડ પાડતા ખેતરમાંથી વગર પાસ-પરમિટે:
-
૪ પ્લાસ્ટિકના મોટા ટાંકાઓમાંથી ૧૦૦૦ લીટર લેખે કુલ ૪૦૦૦ લીટર દેશી દારૂ ગાળવાનો વોશ (કિંમત રૂ. ૧,૦૦,૦૦૦/-)
-
૨ પ્લાસ્ટિકના કેરબામાંથી ૭૦ લીટર દેશી દારૂ (કિંમત રૂ. ૧૪,૦૦૦/-)
મળી કુલ રૂ. ૧,૧૪,૦૦૦/- નો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આરોપી સામે ગુનો નોંધાયો
આ મામલે પોલીસે આરોપી દશરથસિંહ રંગુસિંહ ઝાલા (રહે. માવાની મુવાડી, તા. પ્રાંતિજ, જી. સાબરકાંઠા) વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કામગીરી કરનાર પોલીસ ટીમ
આ સફળ કામગીરીમાં પી.આઈ. ડી. આર. પઢેરીયાની આગેવાની હેઠળ એ.એસ.આઈ. જયેન્દ્રસિંહ, એ.એસ.આઈ. દીપકસિંહ, અ.હે.કો. ભરતભાઈ, અ.હે.કો. અમરતભાઈ, અ.પો.કો. ગજેન્દ્રસિંહ, આ.પો.કો. સરદારસિંહ, આ.પો.કો. સંદીપકુમાર તથા આ.પો.કો. હર્ષપાલસિંહ જોડાયા હતા.





