પોશીના પોલીસે કપાસના વાવેતરની આડમાં કરાતી ગાંજાની ખેતી ઝડપી પાડી: ₹૩૬.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત, ૩ આરોપી ગિરફ્તાર

સાબરકાંઠા જિલ્લામાં “SAY NO TO DRUGS” મિશન અને ડ્રગ્સ મુક્ત સાબરકાંઠાના સંકલ્પને સાર્થક કરવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત પોશીના પોલીસે બાતમીના આધારે કાલીકાંકર ગામે દરોડો પાડી કપાસના વાવેતરની આડમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવતી ગાંજાની ખેતીનો પર્દાફાશ કરી ₹૩૬,૮૩,૪૦૦/- ની કિંમતનો કોમર્શિયલ જથ્થો ઝડપી પાડ્યો છે.
કપાસના ખેતરમાં રચાતું હતું ગેરકાયદે નેટવર્ક
મળેલી માહિતી મુજબ, ગાંધીનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સુચના અને ખેડબ્રહ્મા વિભાગના ડીવાયએસપી શ્રી ડૉ. કુલદિપકુમાર નાયીના માર્ગદર્શન હેઠળ પોશીના પી.આઈ. ડી.એન. સાધુ અને તેમની ટીમ સતત પેટ્રોલીંગમાં હતી.
દરમિયાન સર્વેલન્સ પીએસઆઈ વી.બી. મેઘનાથી અને તેમની ટીમને બાતમીદાર (હ્યુમન સોર્સ) મારફતે માહિતી મળી હતી કે કાલીકાંકર ગામના રો-પાડોળા ફળામાં રહેતા કેટલાક શખ્સો પોતાના ખેતરમાં કપાસના પાકની વચ્ચે માદક પદાર્થ ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરી રહ્યા છે.
૩૨૨ ગાંજાના છોડ સાથે ૩ શખ્સો ઝડપાયા
પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચી પ્રત્યક્ષ તપાસ કરતા ખેતરમાં કપાસની આડમાં ઉગાડવામાં આવેલા માદક પદાર્થ ગાંજાના કુલ ૩૨૨ છોડ (કુલ વજન ૭૩.૬૬૨ કિલોગ્રામ) મળી આવ્યા હતા, જેની આંતરરાષ્ટ્રીય/બજાર કિંમત ₹૩૬,૮૩,૪૦૦/- આંકવામાં આવી છે. પોલીસે તમામ જથ્થો જપ્ત કરી નીચે મુજબના ત્રણ આરોપીઓની અટકાયત કરી એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે:
-
જયેશભાઇ લાલુભાઇ ગમાર (ઉં.વ. ૩૦)
-
અર્જુનભાઇ સંગ્રામભાઇ ગમાર (ઉં.વ. ૩૧)
-
ગોવિંદભાઇ અંગ્રેજભાઇ ગમાર (ઉં.વ. ૩૩) (તમામ રહે. કાલીકાંકર, રો-પાડોળા ફળિયું, તા. પોશીના, જી. સાબરકાંઠા)
પોલીસ ટીમની પ્રશંસનીય કામગીરી
આ સફળ કામગીરીમાં પોશીના પી.આઈ. ડી.એન. સાધુ, પીએસઆઈ વી.બી. મેઘનાથી, એએસઆઈ અમિતકુમાર, હેડ કોન્સ્ટેબલ જયદીપકુમાર તેમજ કોન્સ્ટેબલ મુકેશકુમાર, કલ્યાણસિંહ, અજયસિંહ, નરેશભાઇ, કલ્પેશકુમાર, પ્રધ્યુમનસિંહ, સોમાભાઇ, એએલઆર દીપકભાઇ, દશરથભાઇ, નવધણ અને ડ્રાઇવર રાજેશભાઇ સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. પોશીના પોલીસની આ સરાહનીય અને પ્રશંસનીય કામગીરીથી અસામાજિક તત્વોમાં ફાળ પડી છે.




