મહેસૂલી કર્મચારીઓના આક્રમક વિરોધના એંધાણ: ખેડબ્રહ્મામાં ૩૩ કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધી સરકારી વોટ્સએપ ગ્રૂપ છોડ્યા

-
માંગણીઓ ન સંતોષાય તો ૫મી ઓક્ટોબરથી માસ સીએલ અને ૭મીથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ચીમકી
-
હિંમતનગર સહિત સમગ્ર જિલ્લાના મહેસૂલ કર્મચારીઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા
ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગના કર્મચારીઓની લાંબા સમયથી પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા કર્મચારીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. મહેસૂલ મહામંડળના આદેશ અનુસાર અગાઉ કાળી પટ્ટી ધારણ કરીને શાંતિપૂર્ણ વિરોધ નોંધાવવા છતાં સરકાર દ્વારા કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી. જેના વિરોધમાં શનિવારે ખેડબ્રહ્મા સહિત સાબરકાંઠા જિલ્લાભરના મહેસૂલી કર્મચારીઓએ આંદોલન વધુ તીવ્ર બનાવ્યું હતું.
ખેડબ્રહ્મા ખાતે ફરજ બજાવતા ૩૩ મહેસૂલી કર્મચારીઓએ વિરોધના ભાગરૂપે કાળી પટ્ટી ધારણ કરી હતી અને તમામ સરકારી વોટ્સએપ ગ્રૂપમાંથી એકસાથે લેફ્ટ (Left) થઈને પોતાનો અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લાના અન્ય તાલુકાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.
કર્મચારી આગેવાનોના જણાવ્યા અનુસાર, વર્ષોથી પોતાની વ્યાજબી અને પડતર માંગણીઓ અંગે સરકારમાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેથી આખરે કર્મચારીઓને આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે.
આગામી દિવસોમાં કામગીરી ઠપ થવાની ભીતિ કર્મચારીઓએ સરકારને સ્પષ્ટ ચીમકી આપતા જણાવ્યું છે કે, જો તેમની માંગણીઓનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આવનારી તારીખ ૫મી ઓક્ટોબરથી તમામ કર્મચારીઓ માસ સીએલ (Mass CL) પર ઉતરી જશે. તેમ છતાં પણ જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો તારીખ ૭મી ઓક્ટોબરથી તમામ મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જશે. કર્મચારીઓની આ ચીમકીના કારણે આગામી દિવસોમાં મહેસૂલી કામગીરી અટકી પડે અને અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.




