મતાધિકારના રક્ષણ અને લોકશાહી બચાવવા ખેડબ્રહ્મા કોંગ્રેસ દ્વારા આવતીકાલે વિરોધ રેલીનું આયોજન

ભારતીય બંધારણ દ્વારા દેશના પ્રત્યેક નાગરિકને આપવામાં આવેલા મતદાનના મૂળભૂત અધિકારના રક્ષણ અને લોકશાહીની જાળવણી માટે ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક વિશાળ જનઆક્રોશ રેલી તેમજ આવેદનપત્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કોંગ્રેસના સ્થાનિક નેતાગીરીના જણાવ્યા અનુસાર, તાજેતરમાં દેશભરમાં હાથ ધરવામાં આવેલી SIR ની પ્રક્રિયા દરમિયાન લાખો-કરોડો નાગરિકોના નામ મતદારયાદીમાંથી ગેરવાજબી રીતે કમી કરી દેવામાં આવ્યા છે. જેના કારણે અંદાજે ૧૩ કરોડથી વધુ નાગરિકો પોતાના બંધારણીય મતાધિકારથી વંચિત રહી ગયા છે. ભારતનું ચૂંટણી પંચ સ્વતંત્ર, નિષ્પક્ષ અને ન્યાયિક હોવું જોઈએ, પરંતુ કોંગ્રેસ સમિતિનો આક્ષેપ છે કે દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર નિષ્પક્ષ વર્તન કરવામાં નિષ્ફળ રહ્યા છે. જે સંદર્ભે મુખ્ય ચૂંટણી કમિશનર સામે યોગ્ય કાર્યવાહી કરવા અને તેમના રાજીનામાની માંગ સાથે આ વિરોધ પ્રદર્શન યોજાશે.
આ રેલી અંગે વિગત આપતા ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભમરસિંહ ચંદાવત અને શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત શર્માએ જણાવ્યું હતું કે, ગુરુવાર, તારીખ ૦૮-૧૦-૨૦૨૬ ના રોજ બપોરે ૨:૩૦ કલાકે ખેડબ્રહ્માના સરદાર ચોક ખાતેથી વિશાળ રેલીનો પ્રારંભ થશે. સરદાર ચોકથી નીકળીને તમામ કાર્યકરો પ્રાંત અધિકારીશ્રીની કચેરી ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર આપશે.
આ રેલીમાં ખેડબ્રહ્માના ધારાસભ્ય ડૉ. તુષારભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહેશે. કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા અને શહેરના તમામ કાર્યકર્તાઓ, ફ્રન્ટલ સેલના આગેવાનો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાના તમામ ચૂંટાયેલા સદસ્યો અને ઉમેદવારોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આહ્વાન કરવામાં આવ્યું છે.




