ગાંધીનગર

ગાંધીનગરમાં કૉંગ્રેસ નેતાઓનો વિરોધ: સેક્ટર 21 પોલીસ સ્ટેશન ખાતે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને લાલજીભાઈ દેસાઈના તીખા પ્રહારો

ગાંધીનગરના સેક્ટર 21 પોલીસ સ્ટેશન ખાતે કૉંગ્રેસ નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન માટે એકઠા થયા હતા. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કૉંગ્રેસ નેતા લાલજીભાઈ દેસાઈએ મીડિયા સમક્ષ તંત્ર અને સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા.

૧૫૦ કરોડની જમીન અને ષડયંત્રના આક્ષેપો

વિરોધ દરમિયાન વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યો હતો કે ગાંધીનગર પોલીસ ભવનના ૩ કિલોમીટરના વિસ્તારમાં જ ઠાકોર સમાજની ૧૫૦ કરોડની કિંમતની જમીન માત્ર ૧ કરોડમાં પચાવી પાડવામાં આવી છે. આ ઉપરાંત, કૉંગ્રેસ પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર અને સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, હજુ પણ ૨૦૦ થી ૨૫૦ કરોડની જમીન પચાવી પાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનો દાવો કરાયો હતો.

સોશિયલ મીડિયા પોસ્ટ અને એફઆઈઆર અંગે હોબાળો

જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર અશ્લીલ અને અભદ્ર ટિપ્પણીઓ કરનાર ધવલ દવે નામના વ્યક્તિ સામે ફોજદારી ગુનો દાખલ કરાવવા માટે તેઓ કૉંગ્રેસ નેતા અમિતભાઈ ચાવડા, લાલજીભાઈ અને જગદીશભાઈ સાથે સેક્ટર 21 પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પરંતુ પોલીસ સ્ટેશનના મુખ્ય દરવાજા બંધ કરીને તેમને અંદર જતા રોકવામાં આવ્યા હતા, જેને તેમણે “તાનાશાહી” ગણાવી હતી.

તંત્રની બાંહેધરી બાદ અનશનનો અંત

અનશન અને વિરોધ પ્રદર્શન બાદ તંત્ર દ્વારા લેખિત બાંહેધરી આપવામાં આવી છે. ડેપ્યુટી એસપી ડી.ટી. ગોહિલ દ્વારા પ્રાથમિક તપાસ/ઇન્ક્વાયરી હાથ ધરી ટૂંક સમયમાં કાર્યવાહી કરવાની બાંહેધરી મળતાં તેમણે અનશનનો અંત જાહેર કર્યો હતો.

કૉંગ્રેસ નેતા લાલજીભાઈ દેસાઈનું નિવેદન

કૉંગ્રેસ નેતા લાલજીભાઈ દેસાઈએ પણ પોલીસ સ્ટેશન બહાર ગેટ બંધ કરવાની ઘટનાની સખત શબ્દોમાં ટીકા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે એક ધારાસભ્યની ફરિયાદ નોંધાવવા માટે પણ જો ૫ કલાક સુધી મથામણ કરવી પડતી હોય, તો સામાન્ય જનતાની સ્થિતિ શું હશે તે ચિંતાનો વિષય છે. જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલન યથાવત રાખવાની પણ ચીમકી આપવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!