હિમતનગર

સાબરકાંઠા LCBનો મોટો પર્દાફાશ: હિંમતનગરમાં ખોટા સહી-સિક્કાથી આધારકાર્ડ અને બોગસ દાખલાનું રેકેટ ઝડપાયું

શીતલ ઠાકર,ગાંધીનગર

સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા હિંમતનગર શહેરમાં નગરપાલિકા અને મામલતદાર કચેરીના ખોટા સહી-સિક્કાનો ઉપયોગ કરી બોગસ આધારકાર્ડ, જાતિ, આવક તેમજ EWS ના ખોટા દાખલા બનાવી ગુનાહિત પ્રવૃત્તિ ચલાવતું મસમોટું રેકેટ પર્દાફાશ કરવામાં આવ્યું છે. પોલીસે બે ઇસમોને ઝડપી પાડીને રૂ. ૧,૦૫,૮૫૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે।

ઘટનાની વિગતો મુજબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ (સાબરકાંઠા) ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી। તે અનુસંધાને LCB પોલીસ ઇન્સ્પેક્ટર સી.ડી. સાકરીયા અને તેમની ટીમ પેટ્રોલિંગ દરમિયાન હતી ત્યારે ટેકનિકલ ASI હરેશકુમાર નાઓને ચોક્કસ બાતમી મળી હતી કે મહેતાપુરા વિસ્તારની વિષ્ણુનગર સોસાયટીના મકાન નં. ૨૨ માં ખોટા દસ્તાવેજો બનાવવાનો ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો છે।બાતમીના આધારે પોલીસે દરોડો પાડી તપાસ કરતાં ખુલાસો થયો કે હિંમતનગર બહુમાળી ભવનમાં જનસેવા કેન્દ્રમાં આધાર ઓપરેટર તરીકે કાર્યરત કિશોરકુમાર પ્રજાપતિ અને ચંદ્રકેતુ પ્રજાપતિ મળીને આવા લોકો માટે ખોટા દસ્તાવેજો બનાવતા હતા, જેઓ પાસે આધારકાર્ડ અપડેટ કરવા માટે જરૂરી પુરાવા ઉપલબ્ધ ન હતા। આરોપીઓ નગરપાલિકા અને મામલતદાર કચેરીના ખોટા સિક્કા તૈયાર કરી ખોટા રહેઠાણ, જાતિ અને આવકના દાખલા બનાવી, તેને સરકારી વેબસાઈટ પર અપલોડ કરીને મૂળ જેવા જ નકલી આધારકાર્ડ અને પ્રમાણપત્રો તૈયાર કરતા હતા।

પકડાયેલ આરોપીઓ:
(૧) કિશોરકુમાર કનૈયાલાલ પ્રજાપતિ (ઉં.વ. ૩૨, રહે. વિષ્ણુનગર સોસાયટી, મહેતાપુરા, હિંમતનગર, મૂળ રહે. કુશાલપુર, રાજસ્થાન)
(૨) ચંદ્રકેતુ ભરતભાઈ પ્રજાપતિ (ઉં.વ. ૩૫, રહે. કૃષ્ણા પાર્ક સોસાયટી, મહાવીરનગર, હિંમતનગર, મૂળ રહે. ચાદરણી, તા. હિંમતનગર)

કબજે કરેલો મુદ્દામાલ:
પોલીસે આરોપીઓ પાસેથી લેપટોપ, પ્રિન્ટર, બાયોમેટ્રિક મશીન સહિતના ઇલેક્ટ્રોનિક સાધનો, ખોટા દસ્તાવેજો અને નકલી સિક્કા મળી કુલ રૂ. ૧,૦૫,૮૫૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે।આ મામલે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૩૬(૨), ૩૩૯, ૩૪૧(૧)(૩)(૪), ૬૧(૨) તેમજ આઈ.ટી. એક્ટ કલમ ૬૬-પ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!