ગાંભોઈ-ભિલોડા રોડ પર ટ્રાફિક જામનો તાંડવ! ફસાયેલી 108 એમ્બ્યુલન્સને પોલીસે અપાવ્યો રસ્તો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી શામળાજી જતા માર્ગ પર આવેલ ગાંભોઈ-ભિલોડા રોડ પર સોમવારે ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. રોડ પર ચાલી રહેલા કામને કારણે માર્ગને વન-વે કરવામાં આવ્યો હોવાથી સવારે વહેલી કલાકોથી મોડી રાત સુધી ભારે વાહનોની સતત અવરજવર રહેતી હોવાથી નાના વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
મળતી માહિતી મુજબ ગાંભોઈથી ભિલોડા જતા માર્ગ પર આવેલ ચોકડી પાસે માર્ગ મરામતનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે એક તરફી વાહન વ્યવહાર શરૂ કરાયો છે. ભારે વાહનોની અવરજવર વચ્ચે નાના વાહનોને આગળ વધવા માટે જગ્યા ન મળતા ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની રહી છે.
ઉપરાંત કેટલાક ઉતાવળિયા વાહનચાલકો ઝડપથી પસાર થવા માટે વચ્ચે ઘુસી જતા પરિસ્થિતિ વધુ બગડે છે. એક વાહન પાછળ બીજા વાહનો દોડી આવતા માર્ગ અવરોધાય જાય છે અને ટ્રાફિક જામ સર્જાય છે.
આ દરમિયાન 108 એમ્બ્યુલન્સ પણ ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી. જોકે સ્થાનિક રહીશો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી વાહનોને આઘાપાછા ખસેડી એમ્બ્યુલન્સ માટે રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.




