રાજનીતિ

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૬ ‘સ્વીપ’ (SVEEP) અભિયાનના ભાગરૂપે ઉમરેઠ ખાતે મહેંદી કાર્યક્રમ યોજાયો

આંગણવાડી કાર્યકરો અને વિદ્યાર્થીનીઓએ હાથોમાં મહેંદી રચાવી આપ્યો અચૂક મતદાનનો સંદેશ

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં આગામી ૨૩મી એપ્રિલના રોજ યોજાનાર મતદાનમાં મતદારો ઉત્સાહપૂર્વક ભાગ લે અને મતદાનની ટકાવારી વધે તેવા શુભ આશય સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ‘સ્વીપ’ (SVEEP) પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. અભિયાનના ભાગરૂપે ઉમરેઠમાં એસ.એન.ડી.ટી. ગ્રાઉન્ડ પાસે આવેલા બ્રહ્માકુમારી સેન્ટર ખાતે એક વિશેષ મહેંદી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આંગણવાડી કાર્યકર બહેનો અને વિદ્યાર્થીનીઓએ પોતાના હાથો પર આકર્ષક મહેંદી રચાવીને ‘અચૂક મતદાન’ કરવાનો પ્રેરક સંદેશ આપ્યો હતો. નારી શક્તિ અને યુવા શક્તિના સંગમ સમાન આ કાર્યક્રમ દ્વારા લોકશાહીના પર્વમાં જોડાઈ મતાધિકારનો ઉપયોગ કરવા નગરજનોને અપીલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મતદાન જાગૃતિના આ સેવાયજ્ઞને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરી દ્વારા ૮ મી એપ્રિલથી ૧૯મી એપ્રિલ સુધી વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું વિશેષ કેલેન્ડર પણ લોન્ચ કરવામાં આવ્યું છે. આ કેલેન્ડર મુજબ આગામી દિવસોમાં ઉમરેઠ મત વિસ્તારમાં દરરોજ અવનવા કાર્યક્રમો દ્વારા મતદારોને જાગૃત કરવામાં આવશે. આજની મહેંદી સ્પર્ધા અને જાગૃતિ કાર્યક્રમમાં સુધી સ્વીપ કાર્યક્રમના નોડલ ઓફિસર શ્રી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદી, તાલુકા શિક્ષણાધિકારી તેમજ બ્રહ્માકુમારી સેન્ટરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા મતદારોને ૨૩મી એપ્રિલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને વધુ મજબૂત બનાવવા આહવાન કરવામાં આવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!