કલેક્ટર કચેરી આગળનો રોડ ગરમીમાં પીગળ્યો, ડામર જૂતામાં ચોંટતાં લોકો ત્રાહિમામ

સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં ભારે ગરમી વચ્ચે કલેક્ટર કચેરી આગળનો ડામર રોડ પીગળી જતાં તંત્ર સામે સવાલો ઊભા થયા છે. ઉનાળાની તીવ્ર ગરમીમાં માર્ગ પરનું ડામર ઓગળી જતાં લોકોના જૂતામાં ડામર ચોંટવાની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે સરકારી કચેરીઓમાં આવતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
કલેક્ટર કચેરી, જિલ્લા કોર્ટ, એસડીએમ કચેરી અને મામલતદાર કચેરી સહિતની મહત્વપૂર્ણ સરકારી કચેરીઓ તરફ જતાં મુખ્ય માર્ગ પર આ સ્થિતિ સર્જાતા દિવસભર અવરજવર કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. માર્ગ પરથી પસાર થતાં વાહનોને પણ ચીકણાશ અને ગરમ ડામરના કારણે તકલીફ પડી હતી.
સ્થાનિકોમાં ચર્ચા છે કે તાજેતરમાં બનાવવામાં આવેલો માર્ગ ગુણવત્તાના અભાવે ભારે ગરમી સહન કરી શક્યો નથી. સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં ગરમી વધતી હોવા છતાં માર્ગ આટલી ઝડપથી પીગળી જવો ગંભીર બાબત ગણાઈ રહી છે. મહત્વપૂર્ણ સરકારી કચેરીઓને જોડતો માર્ગ જ નબળી ગુણવત્તાનો બનતા માર્ગના કામમાં થયેલી કામગીરી અને ગુણવત્તા નિયંત્રણ અંગે લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે.
સ્થાનિકોએ માર્ગના કામની તકનિકી તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.




