પીએમ મોદીના નેધરલેન્ડ્સ પ્રવાસથી ગુજરાતના કલ્પસર પ્રોજેક્ટને મળી શકે નવી ગતિ ડચ ટેક્નોલોજી સહકારથી સૌરાષ્ટ્ર-કચ્છના પાણી સંકટ ઉકેલવાની વધી આશા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરના નેધરલેન્ડ્સ પ્રવાસ દરમિયાન ગુજરાતના મહત્ત્વાકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટને લઈને મહત્વપૂર્ણ ચર્ચા થઈ હોવાનું મીડિયા અહેવાલોમાં સામે આવ્યું છે. નેધરલેન્ડ્સના વિશ્વપ્રસિદ્ધ સમુદ્રી ડેમ અને વોટર મેનેજમેન્ટ સિસ્ટમની મુલાકાત દરમિયાન પાણી સંગ્રહ, પૂર નિયંત્રણ અને મેરિન એન્જિનિયરિંગ ક્ષેત્રે બંને દેશો વચ્ચે સહકાર વધારવા ચર્ચા કરવામાં આવી હતી.
અહેવાલો મુજબ ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે પાણી વ્યવસ્થાપન અને ક્લાઈમેટ ચેન્જ સામે સંયુક્ત ટેક્નોલોજી સહકાર માટે મહત્વપૂર્ણ સમજૂતી પણ થઈ છે. ગુજરાત સરકારના લાંબા સમયથી અટવાયેલા કલ્પસર પ્રોજેક્ટને ડચ ટેક્નિકલ માર્ગદર્શનથી નવી ગતિ મળવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.
કલ્પસર પ્રોજેક્ટ અંતર્ગત ખંભાતના અખાત ઉપર વિશાળ ડેમ બાંધી નર્મદા, મહી, સાબરમતી સહિતની નદીઓનું મીઠું પાણી સમુદ્રમાં જતું અટકાવી વિશાળ જળાશય બનાવવાનો વિચાર છે. પ્રોજેક્ટ પૂર્ણ થાય તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પીવાનું પાણી અને સિંચાઈ માટે મોટો લાભ મળી શકે છે.
પ્રોજેક્ટથી આશરે લાખો હેક્ટર જમીનને સિંચાઈ સુવિધા, પાણીની અછત ધરાવતા વિસ્તારોને રાહત, સમુદ્ર ઉપર રોડ કનેક્ટિવિટી, ટુરિઝમ વિકાસ તેમજ પવન અને સોલાર એનર્જી ક્ષેત્રે નવી તકો ઊભી થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
જોકે પર્યાવરણ, સમુદ્રી જીવન અને ભારે ખર્ચ જેવા મુદ્દાઓને કારણે પ્રોજેક્ટ હજુ અભ્યાસ અને ટેક્નિકલ મૂલ્યાંકનના તબક્કામાં હોવાનું પણ જાણવા મળે છે.




