ખેડબ્રહ્મામાં ૩ મહિના પહેલાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
₹૫.૭૨ લાખના સોના-ચાંદીના દાગીના સાથે ૪ આરોપી અને ૩ કિશોરો ઝડપાયા

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ટાઉન વિસ્તારમાં આવેલી દેવીનગર સોસાયટીના એક બંધ મકાનમાં આશરે ત્રણેક મહિના પહેલાં થયેલી મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં ખેડબ્રહ્મા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ચોરીના દાગીના વેચવાની ફિરાકમાં ફરેલા આરોપીઓને બાતમીના આધારે મુદ્દામાલ સાથે ઝડપી પાડી કુલ ₹૫,૭૨,૩૭૦/-ની કિંમતનું સોનું અને ચાંદી રિકવર કર્યું છે.
બાતમીના આધારે મહિલા આરોપી ઝડપાઈ
ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલની સૂચના હેઠળ પ્રોપર્ટી સબંધી વણશોધાયેલા ગુનાઓ શોધવા માટે પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ મેવાભાઈને ખાનગી બાતમીદાર તરફથી ચોક્કસ માહિતી મળી હતી કે ઘરફોડ ચોરીમાં ગયેલો મુદ્દામાલ વેચવા માટે કેટલાક ઇસમો ફિરાકમાં છે.
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને ઇન્દિરાનગર વિસ્તારમાંથી કાજલબેન વિજયનાથ ઠાકોરનાથ (મદારી) નામની મહિલાને અટકાવી હતી. તેના હાથમાં રહેલી થેલીની તલાશી લેતા તેમાંથી સોના અને ચાંદીના દાગીના મળી આવ્યા હતા. સઘન પૂછપરછ દરમિયાન આ મહિલાએ સ્વીકાર્યું હતું કે, તેણે અન્ય સહ-આરોપીઓ સાથે મળીને સિવિલ રોડ પર જજ બંગલાની સામે આવેલી દેવીનગર સોસાયટીના બંધ મકાનમાંથી આ દાગીના ચોર્યા હતા.ખેડબ્રહ્મા વિભાગના ડીવાયએસપી કુલદીપ નાયીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી. હડાત, પીએસઆઈ કે.વી. વહોનીયા, હેડ કોન્સ્ટેબલ જસવંતભાઈ શામળભાઈ, કોન્સ્ટેબલ પ્રદીપસિંહ, વિનોદભાઈ, ધવલકુમાર, અભિજીતસિંહ, સુમતીભાઈ અને મહિલા કોન્સ્ટેબલ શાલિનીબેન દ્વારા આ અનડીટેક્ટ ગુનાને ગણતરીના કલાકોમાં ઉકેલીને સરાહનીય કામગીરી કરવામાં આવી છે.




