સાબરકાંઠા

બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું

સાબરકાંઠા જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન બાગાયત ખાતા દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ મળી રહે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ તા. ૨૦/૦૮/૨૦૨૬થી વિવિધ કેટેગરીના ખેડૂતો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ મારફતે આંબા, જામફળ અને પપૈયા જેવા ફળપાકની ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, કમલમ (ડ્રેગન ફ્રૂટ)ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ, વ્યાપક બાગાયત વિકાસ કાર્યક્રમ, શાકભાજી પાક માટે ક્રોપ કવર, ફ્રૂટ કવર, ટીસ્યુ કલ્ચર ખારેકની ખેતી માટે સહાય, નાળિયેરના વાવેતર માટે સહાય, સરગવાની ખેતી માટે સહાય, કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમ, નવી ટીસ્યુ કલ્ચર લેબોરેટરીની સ્થાપના માટે સહાય, નેટહાઉસ/એગ્રોટેક્સ્ટાઇલ નેટહાઉસ માટે સહાય સહિતની વિવિધ યોજનાઓનો લાભ લઈ શકાશે.

સાબરકાંઠા જિલ્લાના બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા ઇચ્છતા ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ (વેબસાઈટ: https://ikhedut.gujarat.gov.in/) પર જણાવવામાં આવેલી સમયમર્યાદા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર નોંધણી કરાવ્યા બાદ જ ખેડૂતો અરજી કરી શકશે.

અરજી કરતી વખતે તેમાં જણાવ્યા મુજબના જરૂરી દસ્તાવેજો અપલોડ કરી અરજી કન્ફર્મ કરવાની રહેશે. અરજી કન્ફર્મ કર્યા બાદ તેની પ્રિન્ટ મેળવી ખેડૂતોએ પોતાની પાસે સાચવી રાખવાની રહેશે.

ખેડૂતો ઓનલાઈન અરજી પોતાના મોબાઈલ ફોન મારફતે અથવા ગ્રામ પંચાયતના વી.સી.ઈ.  તેમજ ઓનલાઈન ફોર્મ ભરતા કેન્દ્ર મારફતે કરી શકશે.

વધુ માહિતી માટે ખેડૂતો નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, સાબરકાંઠાનો સંપર્ક કરી શકશે તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!